• T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે
  • પાકિસ્તાનનો આઝમ ખાન ઈજાગ્રસ્ત
  • ઈજાને કારણે T20 સીરિઝમાંથી બહાર

T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે. આ પહેલા પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો વિકેટકીપર બેટ્સમેન આઝમ ખાન ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. આઝમ ખાનને તેના જમણા પગમાં ઈજા થઈ છે. આ કારણોસર તે ન્યુઝીલેન્ડ સામેની T20 સીરિઝમાંથી બહાર છે.

આરામ કરવાની સલાહ આપી

આઝમ ખાનનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેના જમણા પગના સ્નાયુઓ ખેંચાયા હોવાનું બહાર આવ્યું હતું. આ પછી તેમને 10 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ T20 મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન આઝમને સ્નાયુમાં ખેચનો અનુભવ થયો હતો. આઝમ હવે રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી જઈ રહ્યો છે.

પાકિસ્તાન વધુ 2 સીરિઝ રમશે

આઝમ ખાનનું ન્યુઝીલેન્ડ સીરીઝમાંથી બહાર થવું ટીમ માટે મોટો ફટકો છે. તે T20 વર્લ્ડકપ 2024 માટે પાકિસ્તાન ટીમમાં સ્થાન મેળવવાનો પ્રબળ દાવેદાર હતો. ન્યુઝીલેન્ડ સીરીઝ બાદ અને વર્લ્ડકપ પહેલા પાકિસ્તાની ટીમ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે સીરીઝ રમશે. આઝમ આ સીરિઝઓમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝની પ્રથમ T20 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી

ન્યુઝીલેન્ડની ટીમ આ દિવસોમાં પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે 5 T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે. સીરિઝની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી જ્યારે બીજી મેચમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. સીરિઝની આગામી મેચ આજે રાવલપિંડીમાં રમાશે.

  • Follow us on: