• ભારતની મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચ્યો છે
  • મનુ ભાકેરે ટુર્નામેન્ટના ચોથા દિવસે ભારત માટે વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે
  • આ પહેલા તેણે ટુર્નામેન્ટના બીજા દિવસે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની મહિલા શૂટર મનુ ભાકરે રેકોર્ડ બનાવ્યો છે. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પહેલી ભારતીય બની ગઈ છે. મનુએ આ પહેલા 10 મીટર એર પિસ્તોલ મહિલા વર્ગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, હવે તેણે ટીમ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુ ભાકરની આ સિદ્ધિ પર આખો દેશ આનંદ મનાવી રહ્યો છે, પરંતુ મનુ ભાકર હજુ વધુ એક મેડલ જીતવાની તૈયારી કરી રહી છે.

28મી જુલાઈએ જીત્યો પહેલો મેડલ

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક્સ-2024માં પોતાનો પહેલો મેડલ 28 જુલાઈના રોજ જીત્યો હતો. આ જીત સાથે તેણે પેરિસ ઓલિમ્પિક-2024માં ભારતનું ખાતું પણ ખોલ્યું. મનુ ભાકર ઓલિમ્પિકમાં શૂટિંગ ઈવેન્ટમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા એથ્લિટ પણ બની. તેણે 10 મીટર એર પિસ્તોલ મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આજે જીત્યો બીજો મેડલ

મનુ ભાકરે આજે પેરિસ ઓલિમ્પિક-2024માં પોતાનો બીજો મેડલ જીત્યો. તેણે 10 મીટર એર પિસ્તોલની ટીમ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે આ કારનામું રચ્યું. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ સાઉથ કોરિયાની ટીમને 16-10ના અંતરથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ જીતીને મનુ ઓલિમ્પિકની એક જ સિઝનમાં 2 મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે.

 

2 મેડલ જીતનાર ખેલાડી

આ પહેલા ઓલિમ્પિકમાં બે મેડલ જીતવાનું કારનામું કુસ્તીબાજ સુશીલ કુમાર અને બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કર્યું હતું. પરંતુ તેણે અલગ-અલગ સિઝનમાં આ મેડલ જીત્યો હતો. સુશીલ કુમારે 2008માં બ્રોન્ઝ મેડલ અને 2012માં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પીવી સિંધુએ 2016માં સિલ્વર મેડલ અને 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

મનુ ભાકર લગાવશે મેડલની હેટ્રિક?

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક-2024માં 3 ઈવેન્ટમાં ક્વોલિફાય કર્યું હતું. હવે તે 2 ઓગસ્ટે 25 મીટર એર પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં રમતી જોવા મળશે. આ મેચ 2 ઓગસ્ટે બપોરે 12.30 કલાકે રમાશે. મનુને આ ઈવેન્ટમાં મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો તે આવું કરશે તો તે એક નવો રેકોર્ડ હશે.


  • Follow us on: