• પેરિસ ઓલિમ્પિકનો છઠ્ઠો દિવસ ભારત માટે બહુ સારો રહ્યો ન હતો
  • પીવી સિંધુ પોતાની મેચ હારીને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ
  • હાર બાદ પીવી સિંધુએ જણાવ્યું કે તેણે ક્યાં ભૂલ કરી!

પેરિસ ઓલિમ્પિક 2024નો છઠ્ઠો દિવસ ભારત માટે બહુ સારો રહ્યો ન હતો. જ્યાં એક તરફ ભારતે મેડલ જીત્યો હતો, તો બીજી તરફ બોક્સિંગમાં નિખત ઝરીન, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને હોકીમાં ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી. આ ત્રણેય રમતમાં ભારતીય ચાહકો તેમની ટીમ અને તેમના ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષા રાખે છે. પરંતુ કરોડો ભારતીય ચાહકોની આશાને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પોતાની મેચ હારીને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ. ચાહકોને આ વખતે પણ પીવી સિંધુ પાસેથી મેડલની આશા હતી.

હાર બાદ પીવી સિંધુએ શું કહ્યું?

પીવી સિંધુને પેરિસ ઓલિમ્પિક 2024ના છઠ્ઠા દિવસે ચીનની ખેલાડીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પીવી સિંધુએ કહ્યું કે અમે સખત મહેનત કરી, અમારાથી જે થઈ શક્યું તે અમે કર્યું. આ બધો નસીબનો ખેલ છે, મને તેનો કોઈ અફસોસ નથી. હું મેચમાં લડતી રહી પરંતુ કોણ જાણે આગળ શું થશે. મેચમાં અમે બંને 1-1 પોઈન્ટ માટે લડી રહ્યા હતા. પરંતુ મને લાગે છે કે મારે મારા ડિફેન્સમાં કેટલીક ભૂલોને કંટ્રોલ કરવી પડશે.


ચીનની બિંગ જિયાઓ સામે મેચ હારી હતી સિંધુ

પેરિસ ઓલિમ્પિકના છઠ્ઠા દિવસે બેડમિન્ટનના રાઉન્ડ-16 મેચમાં પીવી સિંધુનો સામનો ચીનની બિંગ જિયાઓ સામે થયો હતો. આ મેચ ચીનના બિંગ જિયાઓએ 21-19 અને 21-14થી જીતી હતી. આ હાર સાથે પીવી સિંધુની પેરિસ ઓલિમ્પિકમાં સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. આ મેચમાં પીવી સિંધુ ચીનની ખેલાડીને ટક્કર આપતી જોવા મળી હતી પરંતુ સિંધુ જીતી શકી નહોતી.


સિંધુ અને બિંગ જિયાઓ વચ્ચે હેડ ટુ હેડ

સિંધુએ ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં બિંગ જિયાઓને 21-13, 21-15થી હરાવ્યું હતું. જો કે, બિંગ જિયાએ 2022 એશિયન ગેમ્સમાં સિંધુ સામેની તેની અગાઉની મેચ જીતી હતી. હેડ ટુ હેડની વાત કરીએ તો સિંધુ સામે બિંગ જિયાઓનો રેકોર્ડ 12-9નો છે. પેરિસ ઓલિમ્પિકની આ મેચમાં પણ બિંગ જિયાઓનું પલડુ ભારે રહ્યું છે.

પેરિસ ઓલિમ્પિક ભારતીય બોક્સરો માટે સારું રહ્યું નથી. અમિત પંખાલ, પ્રીતિ પવાર અને જાસ્મીન લેમ્બોરિયા પહેલાથી જ બહાર થઈ ગયા છે. છઠ્ઠા દિવસે બીજી નિરાશા આવી. વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી નિખાત ઝરીન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ મહિલા 50 કિગ્રા બોક્સિંગ કેટેગરીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ચીનના વેઈ યુએ તેમને પરાજય આપ્યો હતો. આ સાથે તેની યાત્રા હવે પૂરી થઈ ગઈ છે. મહિલા શુટીંગ 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં અંજુમ મુદગીલ અને સિફ્ટ કૌર સમરા બહાર થઈ ગઈ હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં અંજુમ 584 પોઈન્ટ સાથે 18મા ક્રમે અને સિફ્ટ 575 પોઈન્ટ સાથે 31મા ક્રમે છે. ફાઇનલમાં જવા માટે ટોપ-8માં આવવું જરૂરી હતું.

  • Follow us on: