- દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
- વોર્નરના 148.57ની સ્ટ્રાઈક રેટથી 35 બોલમાં 52 રન
- ડેવિડ વોર્નરે IPLમાં 6500 રન પૂરા કર્યા
IPL 2024ની 13મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થઈ રહ્યો છે. વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની પ્લેઈંગ-11માં બે ફેરફાર કરવામાં આવ્યા છે. પૃથ્વી શો અને ઈશાંત શર્માને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે. આવી સ્થિતિમાં DCની ઓપનિંગ જોડીમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો. પૃથ્વી શોએ ડેવિડ વોર્નર સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ દિલ્હીને સારી શરૂઆત અપાવી હતી.
વોર્નરે 6500 રન પૂરા કર્યા
વોર્નર અને શોએ પ્રથમ 4 ઓવરમાં સાવચેતીપૂર્વક બેટિંગ કરી હતી. આ પછી બંને બેટ્સમેનોએ ગિયર બદલ્યા અને CSK બોલરોની ધોલાઈ કરી હતી. મેચમાં 25 રન બનાવ્યા બાદ ડેવિડ વોર્નરે IPLમાં 6500 રન પૂરા કર્યા. IPLમાં આ આંકડો સ્પર્શનાર વિરાટ કોહલી અને શિખર ધવન પછી તે ત્રીજો બેટ્સમેન બન્યો છે. IPLમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટે 240 મેચની 232 ઇનિંગ્સમાં 7444 રન બનાવ્યા છે. આ યાદીમાં બીજા નંબર પર શિખર ધવન છે જેણે 220 મેચની 219 ઇનિંગ્સમાં 6754 રન બનાવ્યા છે.
વોર્નરે ફિફ્ટી ફટકારી
મેચની વાત કરીએ તો પૃથ્વી શો અને ડેવિડ વોર્નરે ઇનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 92 રન જોડ્યા હતા. મુસ્તાફિઝુર રહેમાને આ ભાગીદારી તોડી હતી. તેણે 10મી ઓવરમાં ડેવિડ વોર્નરની વિકેટ લીધી હતી. મથિશા પથિરાનાએ વોર્નરનો શાનદાર કેચ લીધો હતો. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પણ પથિરાનાના આ કેચના વખાણ કર્યા હતા. વોર્નરે 148.57ની સ્ટ્રાઈક રેટથી 35 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ તેની આઈપીએલ કારકિર્દીની 62મી ફિફ્ટી છે.