- મોહમ્મદ શમીની લંડનમાં એડીની સફળ સર્જરી
- પીએમ મોદીએ જલદી ફિટ થવાની શુભેચ્છા પાઠવી
- મોહમ્મદ શમીને રિકવરી થવામાં સમય લાગશે
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં ક્રિકેટથી દૂર છે. શમીને વર્લ્ડકપ દરમિયાન એડીમાં ઈજા થઈ હતી, ત્યાર બાદ તે હજુ સુધી એક પણ મેચ રમ્યો નથી. લાંબી રાહ જોયા બાદ શમીએ સર્જરી કરાવી છે અને તે હજુ થોડા મહિના ક્રિકેટ નહીં રમે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શમીને જલદી ફિટ થવાની શુભેચ્છા પાઠવી હતી. પીએમની આ પોસ્ટ જોઈને શમી ખૂબ જ ખુશ થયો હતો. તેણે પીએમ મોદીનો દિલથી આભાર માન્યો છે.
પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી
નરેન્દ્ર મોદીના ઓફિશિયલ એકાઉન્ટ ટ્વિટર પર લખ્યું, 'હું તમને ઝડપથી સ્વસ્થ થવાની અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પાઠવું છું મોહમ્મદ શમી. મને પૂરો વિશ્વાસ છે કે તમારી અંદર રહેલી હિંમતને કારણે તમે જલદીથી આ ઈજામાંથી સાજા થઈ જશો. મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચાડવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. શમી મેગા ઈવેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર સાબિત થયો હતો. ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ પીએમ મોદીએ શમીને ગળે લગાવીને આશ્વાસન આપ્યું હતું..
રિકવર થવામાં સમય લાગશે
આ ઓપરેશન બાદ મોહમ્મદ શમી IPL 2024માં રમતા જોવા નહીં મળે. આ સિવાય શમી જૂનમાં યોજાનાર T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ શકે છે. શમીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. તેણે X પર તેના કેટલાક ફોટા શેર કર્યા અને લખ્યું, મારી એડીનું સફળ ઓપરેશન થયું. રિકવરી થવામાં સમય લાગશે પરંતુ હું મારા પગ પર ઊભો થવા અને જલદી બોલિંગ કરવા માટે ઉત્સાહિત છું.
શમી પીએમ મોદીની શુભેચ્છાથી ખુશ
પીએમ મોદીએ મોહમ્મદ શમીને હિંમત આપતા શમી એકદમ ખુશ થઈ ગયો હતો અને શમીએ આ પોસ્ટના જવાબમાં એક બીજી પોસ્ટ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સર તરફથી મને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતી પર્સનલ નોટ મળે એ જ સૌભાગ્યની વાત છે. તમારી શુભકામનાઓ અને સમર્થન માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. હું મારી વાપસી માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશ, તમારી સતત શુભેચ્છાઓ, પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર.