- રવીન્દ્ર જાડેજાએ કપિલ દેવને પાછળ છોડી આ ખાસ ક્લબમાં જગ્યા બનાવી
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5,000 રન અને 500 વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બન્યો
- ઓલરાઉન્ડર તરીકે 5000 રન અને 500 વિકેટ લેવાની સિદ્ધિ માત્ર કપિલ દેવ જ કરી શક્યા છે
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ રવીન્દ્ર જાડેજા માટે યાદગાર છે. આ સીરિઝની સાથે જ તેણે ઈજા પછી શાનદાર રીતે કમબેક કર્યું. ઈન્દોર ટેસ્ટમાં પણ તેણે ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી અને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ લેનારો બોલર બની ગયો છે. જાડેજાએ ત્રણેય ફોર્મેટમાં રમાયેલી 298 મેચોની 347 ઇનિંગ્સમાં 500 વિકેટ ઝડપી છે.
જાડેજા 500 વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી
રવીન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5,000 રન અને 500 વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડને સ્પર્શવાની સાથે જ તેને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ જાડેજાને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે ઓલરાઉન્ડર તરીકે 5000 રન અને 500 વિકેટ લેવાની સિદ્ધિ માત્ર કપિલ દેવ જ કરી શક્યા છે. આ મેચમાં વિરાટ કોહલીના નામે આ એક મોટો રેકોર્ડ પણ નોંધાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે 300 કેચ લેવાનો રેકોર્ડ બનાવી શકે છે. કોહલીએ અત્યાર સુધીમાં કુલ 299 કેચ પકડ્યા છે.
ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 109 રન બનાવ્યા
જો મેચની વાત કરીએ તો ભારતીય ટીમે બેટિંગમાં નિરાશ કર્યા છે. ટીમ પહેલી ઈનિંગમાં માત્ર 109 રન જ બનાવી શકી હતી અને રવીન્દ્ર જાડેજાએ માત્ર 4 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને 22 રનની ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યર અને મોહમ્મદ સિરાજ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયાની બોલિંગની વાત કરીએ તો કુનહેમેને 5 અને નાથન લિયોને 3 વિકેટ ઝડપી હતી.