• ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે રેકોર્ડ
  • રોહિત શર્મા આક્રામક બનીને કરશે બેટિંગ
  • 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ ભારતની પ્રથમ મેચ

શ્રીલંકા અને પાકિસ્તાનની મેજબાનીમાં એશિયા કપની શરૂઆત થઈ ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમીને ભારત પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલાં રોહિત શર્માના રેકોર્ડને જોઈ વિરોધી ટીમની સ્થિતિ ખરાબ થઈ છે. કેપ્ટન અને બેટ્સમેન તરીકે એશિયા કપમાં રોહિત શર્માના નામે શાનદાર રેકોર્ડ દાખલ છે.

રોહિત શર્માની કેપ્ટનશિપનો રેકોર્ડ 100 ટકા 

2018 એશિયા કપની ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમવામાં આવી હતી. આ સમયે વિરાટ કોહલીના બદલે રોહિત શર્મા ટીમના કેપ્ટન હતા. એશિયા કપના વનડે ફોર્મેટમાં રોહિત શર્માની કેપ્ટનશિપનો રેકોર્ડ 100 ટકા છે. રોહિત શર્માના નૈતૃત્વમાં ટીમ ઈન્ડિયા પોતાની તમામ 5 મેચ જીતીને ચેમ્પિયન બની હતી. હવે 5 વર્ષ બાદ ફરી એક વખત રોહિત શર્મા કેપ્ટન બનીને એશિયા કપમાં ટીમમાં નૈતૃત્વ કરશે.

એશિયા કપના સૌથી સફળ બેટ્સમેનમાં રોહિતનું નામ

રોહિત શર્માની ગણતરી એશિયા કપના ઈતિહાસમાં સૌથી સફળ બેટ્સમેનમાં થાય છે. રોહિત શર્માનું નામ એશિયા કપના ઈતિહાસમાં 5 સૌથી વધુ રન બનાવનારા બેટ્સમનની યાદીમાં છે. એશિયા કપની 22 મેચની 21 ઈનિંગમાં રોહિત શર્માએ 741 રન બનાવ્યા છે. રોહિત શર્માએ એશિયા કપમાં 1 સદી અને 6 ફિફ્ટી પણ લગાવી છે.

સચિનનો રેકોર્ડ તોડવાની તક

એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ જયસૂર્યાના નામે છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટને એશિયા કપના ઈતિહાસમાં સૌથી વધુ 1 હજાર 220 રન બનાવ્યા છે. ભારત માટે એશિયા કપમાં સૌથી વધુ રન 971 રન સચિન તેંડુલકરે બનાવ્યા છે. જેથી રોહિત શર્મા પાસે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક છે.

પાકિસ્તાન વિરુદ્ઘ રોહિત શર્માનું પ્રદર્શન

રોહિત શર્મા એકમાત્ર ભારતીય કેપ્ટન છે. જેમણે પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપમાં સદી ફટકારી છે. 1984થી રમવામાં આવતા એશિયા કપમાં અનેક ખેલાડીએ ભારતીય ટીમનું નૈતૃત્વ કર્યું છે, પરંતુ કેપ્ટન તરીકે કોઈ ખેલાડી સદી ફટાકારી શક્યો નહતો. રોહિત શર્માએ 2018ના એશિયા કપમાં આ સદી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મેચ રમવામાં આવી હતી. બંને દેશ વચ્ચે પ્રથમ મેચ ગ્રુપ તબક્કામાં રમવામાં આવી હતી. બીજી મેચ સુપર-4માં રમવામાં આવી હતી. આ બંને મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી, ત્યારે કેપ્ટન રોહિત શર્માએ સુપર-4ના તબક્કામાં અણનમ સદી ફટકારી ભારતને 9 વિકેટે જીત અપાવવામાં મહત્વની જવાબદારી નિભાવી હતી. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ 119 બોલમાં 7 ફોર અને 4 સિક્સની મદદથી અણનમ 111 રન બનાવ્યા હતા.

રોહિત શર્માએ શું કહ્યું હતું?

એશિયા કપની શરૂઆત પહેલાં રોહિત શર્માએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. રોહિત શર્માએ કહ્યું હતું કે, હું કોઈ પ્રકારનો ભય રાખ્યા વિના મેદાનમાં ઉતરીશ. રોહિત શર્માએ એ પણ કહ્યું હતું કે, ગત અમુક વર્ષથી તેમનું ફોકસ સ્ટ્રાઈક રેટ પર રહ્યું છે. જેથી તે આક્રામક બનીને બેટિંગ કરશે.

  • Follow us on: