- આવતીકાલથી એશિયા કપની થશે શરૂઆત
- ભારત 2 સપ્ટેમ્બરે પ્રથમ મેચ રમશે
- એશિયા કપ પહેલાં રોહિત શર્મા પર સવાલ ઉભા થયા
ભારતીય ટીમ માટે આગામી 3 મહિના ખુબ મહત્વપૂર્ણ છે. આ 3 મહિનામાં કેપ્ટન રોહિત શર્માના નૈતૃત્વમાં ટીમની સાચી પરીક્ષા લેવામાં આવશે. રોહિતના નૈતૃત્વમાં વર્ષ 2022માં ભારતીય ટીમ T-20 વર્લ્ડકપ રમી હતી. જેમાં સેમીફાઈનલમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે રોહિત પાસે કેપ્ટન તરીકે ખુદને સાબિત કરતા માટે બંને ઈવેન્ટ જીતવી જરૂરી છે, ત્યારે રોહિતની કેપ્ટનશિપને લઈ પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે મોટું નિવેદન આપ્યું છે.
કેપ્ટનશિપનું આકલન જીતેલી ટ્રોફીના આધારે થાય છે
સુનિલ ગાવસ્કરે કહ્યું કે, દિવસ પૂર્ણ થયા બાદ તમારી કેપ્ટનશિપનું આકલન તમે જીતેલી ટ્રોફીની સંખ્યાના આધારે કરવામાં આવે છે. જો રોહિત આવનારી બંને ઈવેન્ટની ટ્રોફી જીતશે, તો તે મહાન કેપ્ટનની યાદીમાં સામેલ થઈ જશે.
અત્યારે ટીમમાં ઓલરાઉન્ડરની અછત
ટીમ ઈન્ડિયાને લઈ સુનિલ ગાવસ્કરે કહ્યું કે, અત્યારે ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની અછત જોવા મળી રહી છે. જો તમે 1983, 1985 અને વર્ષ 2011ની ટીમ પર ધ્યાન કરશો, તો તેમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની સંખ્યા વધુ હતી. તેમાં એવા બેટ્સમેન પણ હતા, જે 7થી 8 ઓવર બોલિંગ કરી શકે. 2011ની ટીમમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના બોલિંગમાં ઉપયોગી સાબિત થયા હતા. આ સૌથી મોટી વાત હતી.
ભારતીય ટીમને કિસ્મતનો પણ સાથ મળવો જોઈએ
વર્લ્ડકપ જેવી ઈવેન્ટમાં કોઈ પણ ટીમ માટે સારી રમત સાથે કિસ્મતનો સાથ મળે તે પણ જરૂરી છે. જેને લઈને સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ગત વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અમારી સેમીફાઈનલ 2 દિવસ સુધી ચાલી હતી. જો તે પ્રથમ દિવસે પૂર્ણ થઈ હોત, તો પરિણામ અલગ જોવા મળી શકે એમ હતું. દિવસ બદલવા સાથે સ્થિતિમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો. મને લાગે છે કે, આવી મોટી ઈવેન્ટમાં તમને કિસ્મતનો સાથ મળે તે ખુબ જરૂરી છે.