• ભારતની શ્રીલંકા સામેની છેલ્લી વનડેમાં 110 રનથી હાર
  • આ સાથે ભારતીય ટીમ વનડે સિરીઝ 0-2થી હારી ગઈ છે
  • રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે

ભારતીય ટીમને ત્રીજી વનડે મેચમાં શ્રીલંકા સામે 110 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય ટીમ વનડે સિરીઝ 0-2થી હારી ગઈ છે. ટીમ ઈન્ડિયાના બોલર અને બેટ્સમેનો ત્રીજી વનડેમાં ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી લંકાની ટીમે ભારતને જીતવા માટે 249 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ પૂરી 30 ઓવર પણ રમી શકી નહોતી.

ખરાબ યાદીમાં કેપ્ટન રોહિતનું નામ જોડાયું

આ સિરીઝમાં હાર સાથે કેપ્ટન રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. તે શ્રીલંકા સામે દ્વિપક્ષીય વનડે સિરીઝ ગુમાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. તે પહેલા સચિન તેંડુલકર અને મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાનીમાં ભારતીય ટીમ લંકા સામેની દ્વિપક્ષીય વનડે સિરીઝ હારી ગઈ હતી. ભારત છેલ્લે 1997માં શ્રીલંકા સામે વનડે સિરીઝ હારી ગયું હતું.

ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા

ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે પહેલી વિકેટ 37ના સ્કોર પર પડી હતી. શુભમન ગિલ 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ રન બનાવવાની જવાબદારી લીધી. પરંતુ આ બંનેના આઉટ થતા જ ભારતીય બેટીંગ વિખેરાઈ ગઈ હતી. રોહિત શર્માએ 35 રન અને કોહલીએ 20 રન બનાવ્યા હતા. માત્ર રોહિત, કોહલી, રિયાન પરાગ (15 રન) અને વોશિંગ્ટન સુંદર (30 રન) ભારત માટે બે અંક સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

શ્રીલંકાના સ્પિનરોએ કમાલ કરી હતી

શ્રીલંકા તરફથી દુનિથ વેલાલ્લાગે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. સમગ્ર મેચમાં શ્રીલંકાના સ્પિનરોનો દબદબો રહ્યો હતો. ભારતીય બેટ્સમેનો સ્પિનરો સામે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. મહેશ તિક્ષ્ણા અને જેફરી વાન્ડરસેએ 2-2 વિકેટ લીધી હતી. એક વિકેટ અસિતા ફર્નાન્ડોના ખાતામાં ગઈ હતી.

શ્રીલંકન ટીમ માટે પથુમ નિસાંકા અને અવિષ્કા ફર્નાન્ડોએ સારી બેટિંગ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. નિસાન્કાએ 45 રન બનાવ્યા હતા. જ્યારે અવિશકા તેની સદી માત્ર ચાર રનથી ચૂકી ગયો હતો. તેણે 96 રન બનાવ્યા હતા. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કુસલ મેન્ડિસે પણ 59 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોના કારણે જ લંકાની ટીમ સન્માનજનક સ્કોર બનાવી શકી હતી. ભારત તરફથી રિયાન પરાગે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

  • Follow us on: