- ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડકપ જીત્યો
- ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્માએ પિચની માટી ખાધી હતી
- રોહિત શર્માએ આ ક્ષણને લઈને કર્યો મોટો ખુલાસો
આ વખતે ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં સાઉથ આફ્રિકા સાથે ફાઈનલ મેચ રમાઈ હતી, જે ટીમ ઈન્ડિયાએ 7 રનથી જીતી હતી. ભારતને ચેમ્પિયન બનાવ્યા બાદ સુકાની રોહિત શર્મા બાર્બાડોસની પિચની માટી ખાતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો, હવે રોહિતે પોતે આ અંગે મોટો ખુલાસો કર્યો છે.
રોહિતે કર્યો મોટો ખુલાસો
BCCIએ એક વીડિયો શેર કર્યો છે જેમાં રોહિત શર્માએ સમજાવ્યું છે કે તેણે પિચની માટી કેમ ખાઘી છે. રોહિતે કહ્યું કે આમાં છુપાવવા જેવું કંઈ નથી, બધું સામે છે. હું માત્ર ક્ષણ અનુભવી રહ્યો હતો. જ્યારે હું પિચ પર ગયો, ત્યારે મેં જોયું કે આ પિચે અમને ટ્રોફી જીતાડી છે. હું મારા જીવનમાં આ મેદાન અને પિચને ક્યારેય ભૂલી નહીં શકું. તેથી હું પિચનો એક ભાગ મારી પાસે રાખવા માંગતો હતો.
રોહિતનું સપનું થયું સાકાર
ICC ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાને 11 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ત્રણ ICC ફાઈનલ હારી ગઈ હતી, જે બાદ આ વખતે ટીમ ઈન્ડિયાએ કરોડો ચાહકોનું સપનું પૂરું કર્યું છે. ટ્રોફીની જીતની દરેક વ્યક્તિ ખુલ્લેઆમ ઉજવણી કરી રહી છે, ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી રહી છે. કોઈપણ ભારતીય ચાહક આ ક્ષણને ભૂલવા માંગતો નથી.