• અફઘાનિસ્તાનને હરાવીને સાઉથ આફ્રિકાની ફાઈનલમાં એન્ટ્રી
  • સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાની 9 વિકેટે જીત
  • અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં સમેટાઈ ગઈ હતી

આજે ત્રિનિદાદમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે T20 વર્લ્ડકપની સેમિફાઇનલની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને પ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે અફઘાનિસ્તાના અભિયાનનો અંત આવ્યો હતો.

મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ સાઉથ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં સમેટાઈ ગઈ હતી. ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી સાઉથ આફ્રિકાએ 1 વિકેટ ગુમાવીને 8.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.

અફઘાનિસ્તાનનું શરમજનક પ્રદર્શન

આ મેચમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 56 રનના સ્કોર પર પોતાની તમામ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​સૌથી વધુ 10 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. ટીમના 3 ખેલાડી ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. તે જ સમયે, ટીમના 7 બેટ્સમેન 5 રનથી ઓછા રન બનાવીને આઉટ થયા હતા. ટીમે તેના ટોચના 5 બેટ્સમેનોની વિકેટ માત્ર 23 રનમાં ગુમાવી દીધી હતી. અફઘાનિસ્તાનની આખી ટીમ સાઉથ આફ્રિકા સામે 12 ઓવર પણ ટકી શકી ન હતી. ટીમ માત્ર 11.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

સાઉથ આફ્રિકાની ધારદાર બોલિંગ

સાઉથ આફ્રિકાના બોલરોએ શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. ટીમના બોલર માર્કો યાન્સને પહેલી જ ઓવરમાં રહેમાનુલ્લા ગુરબાઝની વિકેટ લીધી અને તેને બેકફૂટ પર ધકેલી દીધું હતું. સાઉથ આફ્રિકાના બોલર તબરેઝ શમ્સીએ 1.5 ઓવરમાં 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. એનરિચ નોર્ખિયાએ 3 ઓવરમાં 7 રન આપીને 2 વિકેટ લીધી હતી. રબાડાએ 3 ઓવરમાં 1 મેડન સાથે 14 રન આપીને 2 વિકેટ લીધી. જ્યારે માર્કો યાન્સને 3 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રિકાએ સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યું

સાઉથ આફ્રિકાએ આ નાના લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો હતો. ટીમે 8.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા હતા. જો કે અફઘાનિસ્તાનના બોલર ફઝલહક ફારૂકીએ ક્વિન્ટન ડી કોકની વિકેટ ઝડપી લીધી હતી, પરંતુ કેપ્ટન એડન મોર્કમ અને રીઝા હેન્ડ્રીક્સે 43 બોલમાં 55 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.

  • Follow us on: