• ડુપ્લેસીસે ડરબન સુપર જાયન્ટ્સ સામે તોફાની 113 રન બનાવ્યા
  • ફાફે ડુપ્લેસીસે હાર્ડસ વિલ્જોનના 14 બોલમાં 36 રન ફટકાર્યા
  • હાર્ડસ વિલ્જોને ફાફ ડુપ્લેસીની બહેન સાથે લગ્ન કર્યા છે

SA20 લીગમાં જોબર્ગ સુપર કિંગ્સ અને ડરબન સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં ફાફે તોફાની સદી ફટકારી હતી જેમાં તેણે વિરોધી ટીમમાં રમી રહેલા તેના જીજાજીને પણ ન છોડ્યો અને જીજાની બોલીંગમાં પણ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો.

ફાફ ડુ પ્લેસિસની તોફાની સદી

ક્રિકેટની રમતમાં તમને ઘણી રસપ્રદ વાતો અને વાર્તાઓ જોવા મળે છે. જો કે, તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે મેચમાં કોઈ બેટ્સમેને તેના જીજાને જબરદસ્ત ફટકાર્યો હોય. પણ આ વાર્તા સાચી છે. હાલમાં રમાઈ રહેલી SA20 લીગમાં મંગળવારે રમાયેલી મેચમાં સાળા-જીજા વચ્ચે બેટ અને બોલથી મજેદાર જંગ જોવા મળ્યો હતો.


સાળો-જીજાજી સામ-સામે

આ મેચમાં સાઉથ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ ખેલાડી ફાફ ડુ પ્લેસિસે ધમાકેદાર ઇનિંગ રમીને સદી ફટકારી હતી. જોબર્ગ સુપર કિંગ્સ અને ડરબન સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં, ફાફ ડુ પ્લેસિસ જોબર્ગ વતી રમી રહ્યો હતો અને તેની વિરોધી ટીમમાં એક ખેલાડી રમી રહ્યો હતો જે સંબંધમાં તેના જીજા લાગે છે.

58 બોલમાં 113 રન બનાવ્યા

આ મેચમાં તોફાની બેટિંગ કરતી વખતે ફાફે તેના જીજાને પણ ન છોડ્યો. આ 38 વર્ષીય બેટ્સમેને 54 બોલમાં ઝડપી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 58 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 113 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગ 195ના તોફાની સ્ટ્રાઇક રેટ સાથે ધમાકેદાર ઇનિંગ રમી હતી.


250ના સ્ટ્રાઈક રેટથી કરી જીજાની પિટાઈ

હાર્ડસ વિલ્જોન આ મેચમાં ડરબન સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો હતો. ફાફ ડુપ્લેસીસે હાર્ડસ વિલ્જોનની બોલિંગમાં જોરદાર ફટકાબાજી કરી હતી. હાર્ડસ વિલ્જોને ફાફ ડુપ્લેસીની બહેન સાથે લગ્ન કર્યા છે એવામાં બંનેનો સંબંઘ જીજા-સાળાનો થાય છે. મેચ દરમિયાન ફાફ ડુપ્લેસીસે હાર્ડસ વિલ્જોનની બોલિંગમાં 250ની સ્ટ્રાઈક રેટથી 14 બોલમાં 36 રન ફટકાર્યા હતા.

જોબર્ગ સુપર કિંગ્સની જીત

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ડરબન સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. જે બાદ જોબર્ગ સુપર કિંગ્સની ટીમ બેટિંગ કરવા ઉતરી અને ફાફ ડુ પ્લેસિસની તોફાની ઈનિંગની મદદથી 19.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી. 

  • Follow us on: