- સચિન ODIમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી
- સચિને દક્ષિણ આફ્રિકા સામે 147 બોલમાં 200 રન બનાવ્યા હતા
- ODIમાં એક ઈનિંગમાં સૌથી વધુ રન રોહિત શર્માના નામે 264 રન
ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી સચિન તેંડુલકરે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. સચિનનો રેકોર્ડ તોડવો કોઈપણ ખેલાડી માટે આસાન નહીં હોય. સચિને ગ્વાલિયરમાં પણ આવું જ કારનામું કર્યું હતું. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ODI મેચમાં બેવડી સદી ફટકારી હતી. સચિન ODIમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો.
સચિન તેંડુલકરે રચ્યો હતો ઈતિહાસ
હકીકતમાં 2010માં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ હતી. શ્રેણીની બીજી મેચ 24 ફેબ્રુઆરીએ કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમ, ગ્વાલિયરમાં યોજાઈ હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. આ દરમિયાન સચિન અને વીરેન્દ્ર સેહવાગ ઓપનિંગ કરવા પહોંચ્યા હતા. સેહવાગ 9 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ સચિન અંત સુધી અણનમ રહ્યો હતો. સચિને 147 બોલનો સામનો કરીને 200 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 25 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. સચિન આ ઇનિંગમાં અણનમ રહ્યો હતો. મહત્વની વાત એ હતી કે તે ODIમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો.
શું હતી મેચની સ્થિતિ
સચિન સાથે આ મેચમાં દિનેશ કાર્તિકે 79 રન બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની 68 રન બનાવીને અણનમ રહ્યો હતો. ધોનીએ 7 ફોર અને 4 સિકસ ફટકારી હતી. આ સાથે ભારતે 401 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 248 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી એબી ડી વિલિયર્સે અણનમ સદી ફટકારી હતી. ડી વિલિયર્સે 114 રન બનાવ્યા હતા.
રોહિત શર્માને નામે ODIમાં સૌથી વધુ રન
ODI ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિતે 2014માં શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા. આ યાદીમાં માર્ટિન ગુપ્ટિલ બીજા સ્થાને છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 237 રન બનાવ્યા હતા.