- બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ત્રીજી મેચ
- શાકિબ અલ હસન વર્લ્ડ કપમાં રચી શકે છે ઇતિહાસ
- વર્લ્ડ કપમાં શાકિબ અલ હસને અત્યાર સુધી 34 વિકેટ ઝડપી
વર્લ્ડ કપ 2023માં આજે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે ત્યારે તમામની નજર શાકિબ અલ હસન પર રહેશે. કારણ કે જો આ બાંગ્લાદેશી કેપ્ટન આ મેચમાં 41 રન બનાવી લે છે તો તે વર્લ્ડ કપ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બની જશે.
ક્રિસ ગેલથી માત્ર 40 રન પાછળ
હાલમાં, શાકિબ અલ હસન 8 ઓલરાઉન્ડરોની યાદીમાં સામેલ છે જેમણે વર્લ્ડ કપમાં 1000+ રન બનાવ્યા છે અને 10+ વિકેટ લીધી છે. આ યાદીમાં શાકિબ ચોથા સ્થાને છે. આ 8 ઓલરાઉન્ડરોમાં શાકિબના નામે સૌથી વધુ વિકેટ છે. તેણે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 34 વિકેટ ઝડપી છે. ઓલરાઉન્ડરોમાં રનના મામલે શાકિબ ચોથા સ્થાને છે. વર્લ્ડ કપમાં શાકિબના નામે 1146 રન છે. તે આ યાદીમાં ટોચ પર રહેલા ક્રિસ ગેલથી માત્ર 40 રન પાછળ છે.
શાકિબની વર્લ્ડ કપ કારકિર્દી
શાકિબ અલ હસને વર્ષ 2007માં વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું. આ વખતે તે પોતાનો 5મો વર્લ્ડ કપ રમી રહ્યો છે. અત્યાર સુધી શાકિબે ચાર વર્લ્ડ કપમાં કુલ 29 મેચ રમી છે. આ મેચોમાં શાકિબે 45.84ની બેટિંગ એવરેજથી 1146 રન બનાવ્યા છે. તેણે વર્લ્ડ કપમાં બે સદી પણ ફટકારી છે. શાકિબે વર્લ્ડ કપ 2019માં 600થી વધુ રન બનાવ્યા હતા. સાથે જ શાકિબ બોલિંગના મામલે પણ ઘણો પ્રભાવશાળી રહ્યો છે. તેણે વર્લ્ડ કપમાં 35.94ની બોલિંગ એવરેજથી 34 વિકેટ લીધી છે.
વર્લ્ડ કપમાં 1000+ રન અને 10+ વિકેટ લેનારા ઓલરાઉન્ડર
1. ક્રિસ ગેલ: 35 મેચમાં 1186 રન અને 16 વિકેટ
2. સનથ જયસૂર્યાઃ 38 મેચમાં 1165 રન અને 27 વિકેટ
3. જેક કાલિસઃ 36 મેચમાં 1148 રન અને 21 વિકેટ
4. શાકિબ અલ હસન: 29 મેચમાં 1146 રન અને 34 વિકેટ
5. તિલકરત્ને દિલશાન: 27 મેચમાં 1112 રન અને 18 વિકેટ
6. અરવિંદા ડી સિલ્વા: 35 મેચમાં 1064 રન અને 16 વિકેટ
7. વિવિયન રિચર્ડ્સ: 23 મેચમાં 1013 રન અને 10 વિકેટ
8. સૌરવ ગાંગુલી: 21 મેચમાં 1006 રન અને 10 વિકેટ