• મુંબઈમાં મરાઠી રિતરિવાજથી શાર્દુલ-મિતાલીએ લીધા સાત ફેરા
  • રોહિત શર્મા, શ્રેયસ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, અભિષેક નાયર રહ્યા હાજર
  • શાર્દુલ-મિતાલીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

શાર્દુલ ઠાકુરે મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા છે. બંનેએ મુંબઈમાં પરંપરાગત લગ્ન સમારોહમાં સાત ફેરા લીધા. કેએલ રાહુલ અને અક્ષર પટેલ પછી શાર્દુલ આ વર્ષે લગ્ન કરનાર ત્રીજો ભારતીય ક્રિકેટર છે. શાર્દુલ-મિતાલીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ વર્ષે લગ્ન કરનાર ત્રીજો ભારતીય ક્રિકેટર

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ સોમવારે (27 ફેબ્રુઆરી) મુંબઈમાં મરાઠી રિવાજથી સાત ફેરા લીધા. શાર્દુલ ઠાકુર કેએલ રાહુલ અને અક્ષર પટેલ પછી આ વર્ષે લગ્ન કરનાર ત્રીજો ભારતીય ક્રિકેટર છે. શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરનાં લગ્નની પહેલી તસવીર પણ સામે આવી છે.

લગ્નની તસવીરો-વીડિયો થયા વાયરલ

શાર્દુલ-મિતાલીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. લગ્ન પહેલા સંગીત સેરેમની અને હલ્દી સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થયા છે. તેમાં કેપ્ટન રોહિત શર્મા, શ્રેયસ અય્યરે પણ ભાગ લીધો હતો. એટલું જ નહીં, યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા, અભિષેક નાયર અને મુંબઈ ટીમના સ્થાનિક સિદ્ધેશ લાડ પણ જોવા મળ્યા હતા.

શાર્દુલ ઠાકુરની પત્ની વ્યવસાયે બિઝનેસ વુમન

શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે નવેમ્બર 2021માં સગાઈ કરી હતી. તે ફંક્શનમાં રોહિત શર્મા અને માલતી ચહર પણ હાજર હતા. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ આ સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. શાર્દુલ ઠાકુરની પત્ની વ્યવસાયે બિઝનેસ વુમન છે અને સ્ટાર્ટઅપ કંપની ચલાવે છે.


શાર્દુલ ઠાકુરનો રેકોર્ડ

31 વર્ષીય શાર્દુલ ઠાકુરે ભારત માટે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ, 34 ODI અને 25 T20 મેચ રમી છે. આ દરમિયાન શાર્દુલે ટેસ્ટમાં 27, વનડેમાં 50 અને T20માં 33 વિકેટ ઝડપી છે. શાર્દુલને ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શાર્દુલ IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમશે.

  • Follow us on: