- બાબરે આઝમે કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ: શોએબ મલિક
- વર્લ્ડકપમાં બાબર આઝમે ભારત સામે ફિફ્ટી ફટકારી
- વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ, પાકિસ્તાને વર્લ્ડકપ 2023માં સારી શરૂઆત કરી હતી અને તેની પ્રથમ બંને મેચ જીતી હતી. પરંતુ બાબરની ટીમને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ દરમિયાન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી શોએબ મલિકે કહ્યું કે બાબરે વર્લ્ડકપ પછી કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ. ભારતીય ટીમ સામે પાકિસ્તાનની ટીમ માત્ર 191 રન બનાવી શકી હતી. આ પહેલા એશિયા કપ 2023માં પણ પાકિસ્તાનની ટીમ માત્ર 128 રન બનાવીને ભારત સામે ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને 228 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
બાબરે કેપ્ટનશીપ છોડી દેવી જોઇએ
એક કાર્યક્રમ દરમિયાન શૌએબ મલિકે કહ્યું કે, હું કેપ્ટનશીપને લઈને સ્પષ્ટ રીતે મારા વિચારો વ્યક્ત કરીશ. મેં અગાઉ પણ કહ્યું હતું કે બાબર આઝમે કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ. આ માત્ર મારો અભિપ્રાય છે, પરંતુ તેની પાછળ મેં ઘણું કામ કર્યું છે. તેણે કહ્યું કે એક ખેલાડી તરીકે બાબર પોતાના માટે તેમજ ટીમ માટે સારું કરી શકે છે. પરંતુ એક કેપ્ટન તરીકે તે કંઈ અલગ નથી વિચારતો. તમે કોઈની બેટિંગ અને કેપ્ટનશીપને એક જ રીતે જોઈ શકતા નથી, બંને અલગ છે. તે લાંબા સમયથી કેપ્ટન છે, પરંતુ અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી.
ભારત સામે ફિફ્ટી ફટકારી
બાબર આઝમે ભારત સામે 50 રન બનાવ્યા હતા. બાર આઝમે અને મોહમ્મદ રિઝવાન સારી પાર્ટનરશીપ કરી હતી. એક સમયે ટીમનો સ્કોર 2 વિકેટે 155 રન હતો. આ પછી ટીમે છેલ્લી 8 વિકેટ માત્ર 36 રનમાં ગુમાવી દીધી હતી. મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહની ત્રિપુટીએ પાકિસ્તાની બેટ્સમેનોને તક આપી ન હતી. બીજી તરફ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 63 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી અને માત્ર 31મી ઓવરમાં જ ભારતીય ટીમને જીત અપાવી દીધી. રોહિતે 6 સિક્સર પણ ફટકારી હતી. ભારતની આ સતત ત્રીજી જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર છે.
તો પછી આગામી કેપ્ટન કોણ?
બાબર આઝમનું ભવિષ્ય 2023ના વર્લ્ડકપમાં તેના પ્રદર્શન પર નિર્ભર છે. બાબર આઝમ પછી ઘણા દિગ્ગજો શાહીન આફ્રિદીને નવો કેપ્ટન બનાવવાના પક્ષમાં છે. શાહીનને આક્રમક કેપ્ટન માનવામાં આવે છે. શાહિન આફ્રદીએ લાહોર કલંદરને પાકિસ્તાન સુપર લીગમાં સતત બે ટાઇટલ જીતાડ્યું છે. PSLમાં અત્યાર સુધી કોઈ અન્ય કેપ્ટન આવું કરી શક્યો નથી.