- 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
- પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં ગિલે પ્રેક્ટિસ શરૂ કરી
ICC વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ પ્રથમ 2 મેચ શુભમન ગિલ વિના રમી હતી. કારણ કે, આ ઓપનરને ડેન્ગ્યૂ થયો હતો. હવે શુભમન ગિલ ડેન્ગ્યૂમાંથી રિકવર થયો છે. જો કે, સારી વાત એ છે કે, પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી મેચ માટે આ ખેલાડી તૈયારી કરી રહ્યો છે. ચેન્નઈથી અમદાવાદ આવીને શુભમન ગિલ આજે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. ટીમના સપોર્ટ સ્ટાફના અમુક સભ્યો પણ ગિલ સાથે જોવા મળી રહ્યા છે.
વર્લ્ડકપની પ્રથમ મેચ પહેલાં થયો હતો ડેન્ગ્યૂ
શુભમન ગિલને વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચથી ડેન્ગ્યૂ થયો હતો. તે પ્રથમ મેચ માટે ફિટ નહતો અને દિલ્હીમાં 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાંથી પણ બહાર થયો હતો. તે ચેન્નઈમાં રોકાયો હતો. BCCIની મેડિકલ ટીમ શુભમન ગિલની દેખરેખ કરતી હતી.
શુભમન ગિલે એક કલાક પ્રેક્ટિસ કરી
ભારતીય ઓપનરે અંદાજે 1 કલાક પ્રેક્ટિસ કરી છે. પ્રેક્ટિસ દરમિયાન ગિલને કોઈ પ્રકારની પરેશાની થઈ નહતી. ગિલે થોડો સમય ફિલ્ડીંગ પણ કરી હતી. ગિલે થ્રોડાઉન અને નેટ બોલર્સ સાથે પ્રેક્ટિસ કરી હતી. જે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. કારણ કે, શનિવારે 14 ઓક્ટોબરે વર્લ્ડકપ 2023ની સૌથી મોટી મેચ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં રમવામાં આવશે. ગિલ આ મેચ રમવા માંગે છે. કારણ કે, અમદાવાદના સ્ટેડિયમમાં ગિલનો રેકોર્જ શાનદાર છે.