- ભારત-નેપાળની મેચમાં ભારતે એકતરફી જીત મેળવી
- રોહિત-શુભમન ગિલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા
- ગિલે અય્યરને પાછળ છોડી આ રેકોર્ડ પોતાના નામે કર્યો
4 સપ્ટેમ્બરે ભારત અને નેપાળ વચ્ચે રમાયેલી મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર ઇંનિગ રમીને ભારતને જીત અપાવી હતી. ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે નેપાળ સામેની મેચમાં 67 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ ગીલને તેની કારર્કિદી શરુઆતમાં જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમજ શ્રેયસ અય્યરને પણ પાછળ છોડી દીધા છે.
ગિલે ODIમાં બનાવ્યો આ રેકોર્ડ
ભારતીય ટીમ એશિયા કપ 2023 ની તેની બીજી ગ્રુપ મેચમાં નેપાળની ટીમને 10 વિકેટે હરાવીને સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. વરસાદના કારણે ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ પછી શુભમન ગિલે કેપ્ટન રોહિત શર્મા સાથે મળીને આક્રમક બેટિંગ કરીને ટીમને શાનદાર જીત અપાવી હતી. આ મેચમાં ગિલે 67 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેના કારણે તે પોતાની ODI કરિયરમાં 1500 રનનો આંકડો પાર કરી શક્યા હતા.
શ્રેયસ અય્યરને પણ પાછળ છોડ્યા
અત્યાર સુધી શુભમન ગિલનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આ કારણે તે હવે ભારત તરફથી વનડેમાં સૌથી ઝડપી 1500 રનનો આંકડો પાર કરનાર ખેલાડી બની ગયો છે. ગિલે માત્ર 29 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ પહેલા આ રેકોર્ડ શ્રેયસ અય્યરના નામે હતો જેણે 34 ODI ઇનિંગ્સમાં 1500 રન પૂરા કર્યા હતા.
શુભમન ગિલનો ODI ફોર્મેટમાં અત્યાર સુધી બેટથી ઘણો સારો રેકોર્ડ રહ્યો છે. ગિલે 29 મેચમાં 63.08ની એવરેજથી 1514 રન બનાવ્યા છે. જેમાં 4 સદીની ઇનિંગ્સ સાથે 7 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, ગિલ એક વખત બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો, જે આ વર્ષની શરૂઆતમાં ફટકારી હતી.
પાકિસ્તાન સામેની મેચમાં તમામની નજર ગિલ પર રહેશે
એશિયા કપ 2023માં પાકિસ્તાન સામેની મેચમાં શુભમન ગિલ બિલકુલ આત્મવિશ્વાસમાં દેખાતો નહોતો. હવે સુપર-4માં પહોંચ્યા બાદ ભારતીય ટીમ ફરી 10મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. આવી સ્થિતિમાં ફરી એકવાર બધાની નજર શુભમન ગિલ પર ટકેલી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2023માં અત્યાર સુધીમાં ગિલે 68.92ની એવરેજથી 827 રન બનાવ્યા છે, જેમાં 3 સદી પણ સામેલ છે.