• સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં RCBએ WPLની ટ્રોફી જીતી
  • ટીમે ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું
  • RCB માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું

સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCB ટીમે WPL 2024નો ખિતાબ જીત્યો છે. ટીમે ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં RCB માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે 113 રન બનાવ્યા જેના જવાબમાં RCBએ સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધો. RCBએ પ્રથમ વખત WPL ટાઈટલ જીત્યું છે. મેચ જીત્યા બાદ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ એક મોટી વાત કહી છે.

સ્મૃતિ મંધાનાનું પોસ્ટ મેચ નિવેદન

RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે મારા માટે જીત બાદ ઈમોશન સાથે મેદાનમાં આવવું મુશ્કેલ છે. હું એક વાત કહીશ કે મને આ ટીમ પર ગર્વ છે. અમે બેંગલુરુમાં સારૂ પ્રદર્શન કર્યં હતું. અમે દિલ્હી આવ્યા અને બે વખત કારમી હારનો સામનો કરવો પડ્યો. અમે યોગ્ય સમયે આગળ વધવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. ગયા વર્ષે અમને ઘણું શીખવ્યું. શું ખોટું થયું, શું સારૂ થયું. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે મને કહ્યું કે તે તમારી ટીમ છે, તેને તમારી રીતે બનાવો. અમે મેનેજમેન્ટ સાથે બેસીને ખેલાડીઓ વિશે ચર્ચા કરીને એક સારી એવી ટીમ બનાવી હતી. ટ્રોફી જીતનાર હું એકલી નથી પરંતુ ટ્રોફી પૂરી ટીમે જીતી છે.

RCBના ફેન્સને સૌથી વફાદાર ગણાવ્યા

વધુમાં સ્મૃતિ મંધાનાએ ફેન્સ માટે દિલ જીતનારી વાત કરી હતી. RCBના ફેન્સ સૌથી વફાદાર ફેન્સ છે. એક નિવેદન જે હંમેશા સામે આવે છે તે છે 'ઈ સાલ કપ નામદે'. પરંતુ હવે 'ઇ સાલ કપ નામદુ'. કન્નડ મારી પ્રથમ ભાષા નથી પરંતુ ફેન્સને આ કહેવું મહત્વપૂર્ણ હતું.

આ મેચમાં RCBનો વિજય

ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શકી ન હતી અને 113 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. RCB માટે શ્રેયંકા પાટીલે શાનદાર બોલિંગ કરી હતી. તેણે મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. આ પછી સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઈને આરસીબીને શાનદાર શરૂઆત અપાવી. મંધાનાએ 31 રન, સોફી ડિવાઈને 32 રન, એલિસ પેરીએ 35 રનનું યોગદાન આપ્યું હતું. રિચા ઘોષે ફોર ફટકારીને આરસીબી ટીમને જીત અપાવી હતી.

  • Follow us on: