• ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અપાવ્યો ગોલ્ડ
  • એશિયન ગેમ્સની ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવ્યું
  • સ્મૃતિ મંધાનાએ નીરજ ચોપડાને કર્યો યાદ

એશિયન ગેમ્સ 2023માં 25 સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે ખાસ રહ્યો છે. આ દિવસે સવારે ભારતને શૂટિંગમાં ગોલ્ડ મળ્યો હતો અને તે બાદ મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં શ્રીલંકાને 19 રને હરાવીને બીજો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ મેચમાં બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરનારી સ્મૃતિ મંધાના રાષ્ટ્રગાન સમયે ખુબ ભાવૂક થઈ હતી.

ભારતીય ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભાગ લેવા ઉતરી હતી. ગોલ્ડ મેડલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 116 રન બનાવ્યા હતા. જે બાદ બોલરે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકન ટીમને 20 ઓવરમાં 97ના સ્કોર પર રોકી હતી.

https://www.instagram.com/p/CxnO4cISiqs/?utm_source=ig_embed&ig_rid=9f8ee50d-fbb4-491b-a2e7-18382da4788c


સ્મૃતિ મંધાનાએ શું કહ્યું?

ગોલ્ડ મેડલ જીત્યા બાદ સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, જ્યારે રાષ્ટ્રગાનના સમયે રાષ્ટ્રધ્વજ ઉપર જતો હતો, ત્યારે મારી આંખમાં આંસુ આવ્યા હતા. આ ખુબ મહત્વની ક્ષણ હતી. આપણે ટીવી પર જોયું હતું, જ્યારે નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યો હતો. મને લાગે છે કે, આ ખુબ ખાસ હતું. હું અત્યારે ખુબ ખુશ છું અને ગર્વ અનુભવી રહી છું.

તિતાસ સાધુએ બોલ સાથે બતાવ્યો કમાલ

આ મેચની વાત કરવામાં આવે તો, ભારત માટે બેટિંગમાં સ્મૃતિ મંધાનાએ 46 તો જેમિમાહ રોડ્રિગ્સે 42 રનની મહત્વની ઈનિંગ રમી હતી. જે બાદ બોલિંગમાં 18 વર્ષની ફાસ્ટ બોલર તિતાસ સાધુનો કમાલ જોવા મળ્યો હતો. તેમણે શ્રીલંકાની શરૂઆતમાં 3 ઝટકા આપ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાએ મેચમાં પકડ મજબૂત કરી હતી. તિતાસે પોતાની 4 ઓવરમાં 6 રન આપીને 3 વિકેટ લીધી હતી. સાથે રાજેશ્વરી ગાયકવાડે પણ 2 વિકેટ પોતાના નામે કરી હતી.

  • Follow us on: