દક્ષિણ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ટીમે ઢાકામાં રમાયેલી પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને છેલ્લા 10 વર્ષમાં એશિયામાં પોતાની પ્રથમ મેચ જીતી હતી. ટીમની આ જીત બાદ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે.
ટીમ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે પ્રતિસ્પર્ધી ટીમોમાં સામેલ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાની ટીમની આ જીતથી ભારતનું ટેન્શન પણ વધી ગયું છે.
પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી દક્ષિણ આફ્રિકાની ટીમ
બાંગ્લાદેશ સામેની જીત સાથે દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં સીધા છઠ્ઠા સ્થાનેથી ચોથા નંબર પર પહોંચી ગયું છે. અગાઉ ટીમની જીતની ટકાવારી 38.89 હતી જે હવે વધીને 47.62 થઈ ગઈ છે. જો ટીમ ચટગાંવમાં યોજાનારી બીજી મેચ પણ જીતી જાય છે તો ભારત અને ઓસ્ટ્રેલિયા બાદ તેની પાસે પણ ફાઈનલમાં પહોંચવાની તક હશે.
ટોપ ત્રણમાં કઈ ટીમ છે?
પોઈન્ટ ટેબલની ટોપ ત્રણ ટીમોની વાત કરીએ તો, ભારત હાલમાં 68.06 જીતની ટકાવારી સાથે ટોપ પર છે. ટીમની જીતની ટકાવારી અગાઉ વધારે હતી, પરંતુ તેને બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 62.50ની જીતની ટકાવારી સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ લિસ્ટમાં શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાન પર છે, જેની જીતની ટકાવારી 55.56 છે.
આવી હતી મેચની સ્થિતિ
આ મેચમાં બાંગ્લાદેશની પહેલી ઈનિંગ માત્ર 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જ્યાં દક્ષિણ આફ્રિકા તરફથી કાગિસો રબાડા, વિયાન મૂલ્ડર અને કેશવ મહારાજે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં કાઈલ વેરિનની સદીના આધારે દક્ષિણ આફ્રિકાની ટીમે 308 રન બનાવ્યા હતા અને 202 રનની જંગી લીડ મેળવી હતી. પરંતુ બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં સારી રમત રમીને 307 રન બનાવ્યા હતા. ટીમ તરફથી મેંહદી હસને 97 રન જ્યારે જાકર અલીએ 58 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમને 106 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ટીમે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.