- વનડે વર્લ્ડકપ માટે સાઉથ આફ્રિકાએ ટીમની કરી જાહેરાત
- 15 સભ્યોના સ્ક્વોડની કરી જાહેરાત
- આ વખતે ભારતમાં રમવામાં આવશે વર્લ્ડકપ
સાઉથ આફ્રિકાએ ભારતમાં થનારા વનડે વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ 2023 માટે 15 સભ્યોના સ્ક્વોડની જાહેરાત કરી છે. જેમાં ટેમ્બા બાવુમાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં યુવા ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીનું નામ પણ સામેલ છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સાથે ટીમમાં કેશવ મહારાજની વાપસી થઈ છે.
ગેરાલ્ડ માત્ર 2 મેચ રમ્યો
ગેરાલ્ડ અત્યાર સુધી માત્ર 2 વનડે મેચ રમ્યો છે. જેમાં તેમણે 5 વિકેટ મેળવી છે. ગેરાલ્ડ ઉપરાંત ટીમમાં રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, ક્વિન્ટન ડી કોક, એડન માર્કરામ, રેસી વૈન ડેર ડૂસેન અને ડેવિડ મિલર જેવા અનુભવી બેટ્સમેનોને સ્થાન આપાવમાં આવ્યું છે.
રબાડા મુખ્ય બોલર
સાઉથ આફ્રિકાના બોલિંગ અટેકને કૈગિસો રબાડા સંભાળશે. આ ટીમમાં એનરિક નોર્ટજે અને લુંગી એનગિડી જેવા સ્ટાર બોલરને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતની પિચ પર સ્પિનર્સની ભૂમિકા મહત્વપૂર્ણ હશે. જેથી ટીમમાં કેશવ મહારાજ અને તબરેઝ શમ્સી જેવા સ્પિનરને સ્થાન આપવામાં આવ્યું છે.
7 ઓક્ટોબરે પ્રથમ મેચ
સાઉથ આફ્રિકાની ટીમ અંગે કોચ રોબ વાલ્ટરે કહ્યું કે, અનુભવી ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું તે સારૂં છે. ભારત ટ્રોફી ઘરે લઈ જવાના પ્રયાસ કરશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સાઉથ આફ્રિકાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રીલંકા વિરુદ્ધ હશે. આ પહેલાં ટીમ પ્રેક્ટિસ મેચ રમશે. સાઉથ આફ્રિકા 29 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન અને 2 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ રમશે.
સાઉથ આફ્રિકાની વર્લ્ડકપ સ્ક્વોડ-
ટેમ્બા બાવુમા(કેપ્ટન), ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, સિસંડા મગાલા, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિચ નોર્ટજે, રબાડા, તબરેઝ શમ્સી, રેસી વૈન ડેર ડૂસેન.