- પાકિસ્તાન સામેની જીત બાદ કેશવ મહારાજ ચર્ચામાં
- કેશવ મહારાજના બેટ પર ઓમ લખેલું છે
- વર્લ્ડકપ 2023ના પોઇન્ટ ટેબલમાં નંબર વન
વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન સામે સાઉથ આફ્રિકાની રોમાંચક જીત બાદ કેશવ મહારાજ સૌથી વધુ ચર્ચામાં છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ સ્પિનર મહારાજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. કેશવ મહારાજ બજરંગ બલીનો ભક્ત છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને પોતાના સાથી ખેલાડીઓની તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું, "મને ભગવાન પર ભરોસો છે. શમ્સી અને એડન માર્કરામનું પ્રદર્શન જોવું ખૂબ જ સારું હતું. જય શ્રી હનુમાન.'' પ્લેયર ઓફ ધ મેચ શમ્સીએ 10 ઓવરમાં 60 રન આપીને 4 વિકેટ લીધી હતી. મહારાજે 9 ઓવરમાં 56 રન આપ્યા પરંતુ તેમને કોઈ વિકેટ મળી ન હતી.
કેશવ મહારાજ ભારતીય મૂળના છે અને હિંદુ ધર્મમાં ઊંડી આસ્થા ધરાવે છે. તે લાંબા સમયથી સાઉથ આફ્રિકા માટે ક્રિકેટ રમી રહ્યો છે. ગઈકાલે રાત્રે જ્યારે તેણે વિનિંગ ફોર ફટકારી ત્યારે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ અને મીમ્સનું પૂર આવ્યું હતું. તમામ સોશિયલ મીડિયા પોસ્ટનો ભાવાર્થ એક જ હતો કે જે વ્યક્તિ હનુમાનનો ભક્ત છે અને તેના બેટ પર ઓમ લખેલું છે, તે પાકિસ્તાન સામે કેવી રીતે હારી શકે છે.
પૂર્વજો ભારતના રહેવાસી
કેશવ મહારાજનું પૂરું નામ કેશવ આત્માનંદ મહારાજ છે. તેમનો જન્મ સાઉથ આફ્રિકાના ડરબન શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ આત્માનંદ અને માતાનું નામ કંચન માલા છે. તેમના પૂર્વજો સુલતાનપુર, ઉત્તર પ્રદેશ, ભારતના રહેવાસી હતા, જેઓ વર્ષ 1874માં ડરબનમાં શિફ્ટ થયા હતા.
નાનપણથી જ ધર્મમાં ઊંડી શ્રદ્ધા
કેશવના દાદા અને પરદાદા ભારતની બહાર રહેતા હતા પરંતુ તેઓએ તેમની ભાવિ પેઢીઓને ભારતીય રીત-રિવાજો અને પરંપરાઓ સાથે જોડાયેલા રાખ્યા હતા. આ જ કારણ હતું કે કેશવને પણ બાળપણથી જ હિંદુ ધર્મમાં ઊંડી શ્રદ્ધા હતી. તેઓ હનુમાનજીના પરમ ભક્ત છે. પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ તે મંદિરમાં જઈને પૂજા કરવા માટે સમય કાઢે છે. વર્લ્ડકપ 2023 દરમિયાન પણ કેરળના એક મંદિરની મુલાકાત લેતા તેની તસવીરો સામે આવી હતી.
કેશવ મહારાજનું પ્રદર્શન
કેશવ મહારાજ લેફ્ટ આર્મ સ્પિન બોલર છે. તેણે 2006માં દક્ષિણ આફ્રિકામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. નવેમ્બર 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટથી શરૂ થઈ હતી. આ પછી, તેણે વર્ષ 2017 માં તેની ODI અને પછી વર્ષ 2021 માં T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું.
અત્યાર સુધી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200થી વધુ વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 1000 થી વધુ ટેસ્ટ રન છે. તેણે ટેસ્ટમાં 5 ફ્ફ્ટી ફટકારી છે. કેશવ મહારાજે પણ ઘણી મેચોમાં યાદગાર પ્રદર્શન આપ્યું છે. 10 માર્ચ, 2017ના રોજ, તેણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 5 વિકેટ લીધી હતી. આ પછી જુલાઇ 2018માં શ્રીલંકા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં તેણે એક ઇનિંગમાં 129 રન આપીને 9 વિકેટ ઝડપી હતી.