- અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું
- આ જીત સાથે અફઘાનિસ્તાનની સેમિફાઈનલમાં એન્ટ્રી
- ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડકપ 2024માંથી બહાર
T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન ભારતની સાથે ગ્રુપ-1માંથી સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. અફઘાનિસ્તાનની આ જીતે ઓસ્ટ્રેલિયાને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે.
બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચની છેલ્લી ઘડી સુધી જીત-હારની અટકળો ચાલુ રહી હતી. સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થશે. તે જ સમયે, બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.
અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરી હતી
મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરી હતી. જોકે ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. ધીમી ભાગીદારીના કારણે અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને ફરી એકવાર સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 64 બોલમાં 59 રનની ભાગીદારી કરી હતી. આ પછી કેપ્ટન રાશિદ ખાને ટીમ માટે કેપ્ટનશિપની ઇનિંગ રમી. ફાઇનલમાં તેણે 3 સિક્સર ફટકારીને ટીમનો સ્કોર 115 રન સુધી પહોંચાડ્યો હતો. આ સાથે જ બાંગ્લાદેશના બોલરોએ અફઘાનિસ્તાનના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા. બાંગ્લાદેશના રિશાદ હુસૈને 3 વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશ 105 રનમાં ઓલઆઉટ
અફઘાનિસ્તાનના બોલરોએ આ નાના લક્ષ્યનો બચાવ કર્યો હતો. ટીમના બોલરોએ બાંગ્લાદેશને 17.5 ઓવરમાં 105 રનમાં આઉટ કરી દીધું હતું. વરસાદને કારણે મેચમાં 1 ઓવરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશને જીતવા માટે ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 19 ઓવરમાં 114 રન બનાવવાના હતા. બાંગ્લાદેશનો ઓપનર લિટન દાસ 49 બોલમાં 54 રન બનાવીને અણનમ રહ્યો હતો. બીજી બાજુ બાંગ્લાદેશ સતત વિકેટ ગુમાવતું રહ્યું. ટીમના માત્ર 3 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા.
જો અફઘાનિસ્તાનના બોલરોની વાત કરવામાં આવે તો નવિન ઉલ હકે 3.5 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે રાશિદ ખાને 4 ઓવરમાં 23 રન આપીને 4 બેટ્સમેનોને પોતાના શિકાર બનાવ્યા હતા. ફઝલ હક ફારુકી અને ગુલબદીન નઈબને અનુક્રમે 1-1 સફળતા મળી હતી. નુર અહેમદ ભલે વિકેટ લેવામાં સફળ ન રહ્યો હોય પણ 4 ઓવરમાં માત્ર 13 રન આપીને જીતમાં મહત્વની ભુમિકા ભજવી હતી.