• બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ડલ્લાસ સ્ટેડિયમમાં મેચ રમાઈ
  • T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશના હાથે પહેલીવાર હાર્યું શ્રીલંકા
  • શ્રીલંકા પર T20 વર્લ્ડકપ 2024માંથી બહાર થવાનો ખતરો

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે શનિવારે અમેરિકાના ડલ્લાસ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. T20 વર્લ્ડકપની આ 15મી મેચમાં બાંગ્લાદેશે એક ઓવર બાકી રહેતા રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 વિકેટથી હરાવ્યું હતું. ટી-20 વર્લ્ડકપમાં શ્રીલંકાને બાંગ્લાદેશના હાથે પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો છે. વાનિન્દુ હસરંગાની કેપ્ટન્સીમાં શ્રીલંકાની ટીમ આ ટૂર્નામેન્ટમાં બે મેચ હારી ચૂકી છે અને હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ જીત સાથે બાંગ્લાદેશ સુપર-8 માટે ક્વોલિફાય કરવા માટે વધુ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.

હારતા-હારતા જીત્યું બાંગ્લાદેશ

અમેરિકાના ડલ્લાસ સ્ટેડિયમમાં ગ્રૂપ ડીની આ મેચમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. પ્રથમ દાવથી જ મેચ ક્યારેક શ્રીલંકાના પક્ષમાં તો ક્યારેક બાંગ્લાદેશના પક્ષમાં જતી હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમે ઇનિંગ્સની સારી શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં શ્રીલંકાએ 2 વિકેટ ગુમાવીને 48 રન બનાવ્યા હતા. મુશ્કેલ પિચ પર ટીમે 14 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 100નો આંકડો સ્પર્શી લીધો હતો.

આ પછી શ્રીલંકાએ આગામી 23 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને બાંગ્લાદેશ માટે માત્ર 124 રનનો નાનો લક્ષ્યાંક આપ્યો હતો. આ સ્કોર જોઈને બાંગ્લાદેશ માટે ચેઝ કરવાનું આસાન લાગતું હતું પરંતુ શ્રીલંકાએ પાવરપ્લેમાં 28 રનમાં 3 વિકેટ ગુમાવીને મેચમાં રોમાંચ પેદા કર્યો હતો. જો કે, વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ અને તૌહીદ હૃદયે દાવને સંભાળ્યો અને પીછો સરળ બનાવ્યો.

બાંગ્લાદેશ 3 વિકેટના નુકસાને 91 રન બનાવીને મજબૂત દેખાઈ રહ્યું હતું જ્યારે શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરાંગાએ બે ઝટકા આપ્યા હતા. આ પછી તરત જ મથિશા પથિરાનાએ એક વિકેટ અને નુઆન તુશારાએ બે વિકેટ લઈને મેચને શ્રીલંકાના પક્ષમાં નમાવી દીધી હતી. આ રીતે બાંગ્લાદેશની ટીમ 22 રનમાં 5 વિકેટ ગુમાવી હારના આરે પહોંચી ગઈ હતી. અંતમાં અનુભવી બેટ્સમેન મહમુદુલ્લાહે 13 બોલમાં 16 રનની સમજદાર ઈનિંગ રમી અને શ્રીલંકા સામે T20 વર્લ્ડકપમાં ટીમને પ્રથમ જીત અપાવી.

શ્રીલંકા પર બહાર થવાનો ખતરો

શ્રીલંકાની ટીમ 2014માં T20 વર્લ્ડકપનો ખિતાબ જીતી ચૂકી છે. આશ્ચર્યની વાત એ છે કે ત્યારથી આ ટીમ ટી-20 વર્લ્ડકપની કોઈપણ આવૃત્તિમાં નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી શકી નથી. શ્રીલંકા પહેલાથી જ એક મેચ હારી ચૂક્યું છે. હવે બાંગ્લાદેશ સામે હાર્યા બાદ ફરી એકવાર શ્રીલંકાની ટીમ પર સુપર-8 પહેલા જ બહાર થઈ જવાનો ખતરો છે. જો કે શ્રીલંકાની ટીમ હજુ પણ ગણિતની દૃષ્ટિએ સુપર-8માં જઈ શકે છે, પરંતુ હવે તેની માત્ર બે મેચ બાકી છે અને તે બંનેમાં મોટા માર્જિનથી જીત મેળવવી જરૂરી છે. તેથી, તેની ક્વોલિફાય થવાની સંભાવના ઘણી ઓછી છે.

  • Follow us on: