- T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું
- પાકિસ્તાનની ટીમમાં ભાગલા પડી ગયા છે
- ટીમમાં ચાલતા રાજકારણને કારણે પાકિસ્તાનને નુકશાન
T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. બાબર આઝમની કેપ્ટન્સીવાળી ટીમ સુપર 8માં પણ પહોંચી શકી નથી. આ પહેલા વનડે વર્લ્ડકપ 2023માં પણ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પાકિસ્તાન ટીમને લઈને એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનની ટીમમાં ભાગલા પડી ગયા છે અને તેના કારણે તેને T20 વર્લ્ડકપમાં નુકસાન થયું છે. પાકિસ્તાનની ટીમમાં ત્રણ જૂથો બની ગયા છે.
ત્રણ ભાગોમાં વહેંચાઇ પાકિસ્તાનની ટીમ
T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાને અત્યાર સુધી ત્રણ ગ્રુપ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન માત્ર એક જ મેચ જીતી. તેને ભારતની સાથે સાથે અમેરિકાએ પણ હાર આપી હતી. પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન પાછળ ટીમમાં ચાલી રહેલું રાજકારણ માનવામાં આવે છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાનની ટીમમાં ભાગલા પડી ગયા છે. ટીમને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. પાકિસ્તાન ટીમનો એક હિસ્સો બાબર આઝમ સાથે છે. બીજો ભાગ શાહીન આફ્રિદી સાથે છે. જ્યારે ત્રીજો ભાગ મોહમ્મદ રિઝવાન સાથે સંબંધિત છે.
T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનની ટીમમાં ઘણો ડ્રામા થયો
પાકિસ્તાન ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહી છે. પાકિસ્તાનને ખરાબ પ્રદર્શનને કારણે ODI વર્લ્ડકપ 2023માંથી બહાર થવું પડ્યું હતું. આ પછી બાબર આઝમને સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો હતો. તેની જગ્યાએ શાહીનને જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે પીએસએલ સમાપ્ત થયું, ત્યારે ફરીથી અરાજકતા શરૂ થઈ. શાહીનને સુકાનીપદેથી હટાવીને બાબરને જવાબદારી સોંપવામાં આવી હતી. પસંદગીકારો પણ બદલાયા હતા. પરંતુ આ બધાનો કોઈ ફાયદો ન થયો.
આર્મી સાથે ટ્રેનિંગ માટે પાક ટીમ ટ્રોલ થઈ
બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમ T20 વર્લ્ડકપ 2024 પહેલા આર્મી સાથે ટ્રેનિંગ કરતી જોવા મળી હતી. ખેલાડીઓ પણ હથિયારો સાથે જોવા મળ્યા હતા. ઘણા ખેલાડીઓ પર્વતો પર ચઢવાની તાલીમ લેતા જોવા મળ્યા હતા. આ કારણે પાકિસ્તાનની ટીમ સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ હતી. ટી20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ પણ આ મુદ્દો સામે આવ્યો હતો.