- 23 વર્ષીય અર્શદીપ યંગેસ્ટ, 37નો કાર્તિક ઓલ્ડેસ્ટ ક્રિકેટર
- ઓલ્ડેસ્ટ સુકાની તરીકે રોહિત ધોનીનો રેકોર્ડ તોડશે
- 2010માં સરેરાશ વય 21 વર્ષ અને 150 દિવસની હતી
ઓસ્ટ્રેલિયા ખાતે ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા ICC T20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું કોમ્બિનેશન છે. T20 ક્રિકેટને સામાન્ય રીતે યંગ જનરેશનની ફોર્મેટ માનવામાં આવે છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને વધારે વયવાળા ક્રિકેટર્સ પણ આ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ કારણથી 12 વર્ષ બાદ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું વર્લ્ડકપ ટીમમાં પુનરાગમન થયું છે. કાર્તિક 37 વર્ષનો છે અને તે ટીમનો સૌથી વધારે વયનો ખેલાડી છે. બીજી તરફ 23 વર્ષીય અર્શદીપસિંહ ટીમનો યંગેસ્ટ પ્લેયર છે. T20 વર્લ્ડકપ 16મી ઓક્ટોબરથી થઈ રહી છે. આ દરમિયાન ભારતીય ટીમની સરેરાશ વય 31 વર્ષ દસ દિવસની રહેશે.

રોહિત શર્મા ભારતનો સૌથી વધારે વયનો સુકાની
ટી20 વર્લ્ડ કપની શરૂઆતમાં ભારતીય સુકાની રોહિત શર્માની વય 35 વર્ષ 169 દિવસની થશે. આઇસીસીની મેજર ટૂર્નામેન્ટમાં તે ભારતનું નેતૃત્વ કરનાર સૌથી વધારે વયનો ખેલાડી બની જશે. આ પહેલાંનો રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોનીના નામે હતો. ધોનીએ 2016ના T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી હતી અને તે સમયે તેની વય 34 વર્ષ 267 દિવસની હતી.
2010માં ભારતની યંગેસ્ટ, 2016માં ઓલ્ડેસ્ટ ટીમ
ભારતે 2010ના વર્લ્ડ કપમાં પોતાની સૌથી યંગેસ્ટ ટીમ મેદાનમાં ઉતારી હતી. ધોનીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમની સરેરાશ માત્ર 21 વર્ષ 150 દિવસની હતી. જોકે ભારત આ ટૂર્નામેન્ટના સતત ત્રણ મેચ હારીને સુપર-8 રાઉન્ડ પહેલાં જ બહાર થઈ ગયું હતું. 2016માં ભારતની ઓલ્ડેસ્ટ પ્લેયર્સવાળી ટીમ હતી. તે સમયે સરેરાશ વય 34 વર્ષ 266 દિવસની હતી.

2022માં ચોથી સૌથી વધુ વયની ટીમ મેદાનમાં ઊતરશે
ઓસ્ટ્રેલિયા ખાતેના T20 વર્લ્ડકપમાં ભારતે અત્યાર સુધીની ચોથી સૌથી વધારે વયવાળી ટીમ મેદાનમાં ઉતારી છે. ભારતની સૌથી ઓલ્ડેસ્ટ ટીમ 2016ના વર્લ્ડકપમાં હતી અને તે સમયે સરેરાશ વય 34 પ્લસ વર્ષની હતી. 2014 અને 2021માં સરેરાશ વય 32 વર્ષની હતી. 2021માં રમાયેલા વર્લ્ડકપની તુલનામાં આ વખતની ભારતીય ટીમ વધારે યંગ છે.