• અફઘાનિસ્તાને વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત હારવ્યું
  • અફઘાનિસ્તાને 20 ઓવરમાં 148 રન બનાવ્યા હતા
  • ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ

T20 વર્લ્ડકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર-8ની રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા મોટા અપસેટનો શિકાર બન્યું છે. અફઘાનિસ્તાનની ખતરનાક બોલિંગ લાઈન-અપ સામે કાંગારુ બેટ્સમેનો લાંબો સમય ટકી શક્યા ન હતા. આ મેચ જીતીને અફઘાનિસ્તાને સેમીફાઈનલ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા પર બહાર થવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.

અફઘાનિસ્તાને આ મેચ 21 રને જીતી લીધી

આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનની ખતરનાક બોલિંગ સામે કાંગારૂ ટીમ 20 ઓવર રમ્યા વગર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાને વર્લ્ડકપમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી બેટિંગ કરતા ગ્લેન મેક્સવેલે 41 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી. એક સમય એવો હતો જ્યારે એવું લાગતું હતું કે મેક્સવેલ ફરીથી ODI વર્લ્ડકપ 2023ની વાર્તાનું પુનરાવર્તન કરશે પરંતુ તેમ થઈ શક્યું નહીં.

ગુલબદીને શાનદાર બોલિંગ કરી

આ મેચમાં ગુલબદીને અફઘાનિસ્તાન માટે ખૂબ જ ખતરનાક બોલિંગ પ્રદર્શન રજૂ કર્યું હતું. ગુલબદીને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર તબાહી મચાવી હતી. આ મેચમાં ગુલબદીને 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ગુલબદીનને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

બહાર થઈ શકે છે ઓસ્ટ્રેલિયા

અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને કાંગારૂ ટીમનું ટેન્શન વધુ વધાર્યું છે. ઓસ્ટ્રેલિયાની આગામી મેચ હવે ટીમ ઈન્ડિયા સાથે છે. જો ટીમ ઈન્ડિયા આગામી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે અને અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશને હરાવશે તો કાંગારૂ ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ જશે.

  • Follow us on: