• સુપર-8માં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ
  • આ મેચમાં પેટ કમિન્સે હેટ્રિક લઈને બનાવ્યો રેકોર્ડ
  • પેટ કમિન્સ સતત 2 મેચમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર

T20 વર્લ્ડકપ 2024માં સતત રેકોર્ડ બની રહ્યા છે. ટૂર્નામેન્ટમાં સુપર-8નો રોમાંચ પણ ચરમસીમાએ પહોંચી ગયો છે. હવે માત્ર 6 મેચ બાદ T20 ક્રિકેટને તેનો નવો ચેમ્પિયન મળશે. આ ટાઈટલ માટે ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન અને યુએસએ વચ્ચે જંગ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટની 48મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના બોલર પેટ કમિન્સે એક રેકોર્ડ બનાવ્યો છે. જે આજ સુધી કોઈ બોલર કરી શક્યો નથી.

કયો રેકોર્ડ બનાવ્યો?

ઓસ્ટ્રેલિયાના બોલર પેટ કમિન્સે સતત 2 મેચમાં હેટ્રિક વિકેટ લીધી છે. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચમાં આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. પેટ કમિન્સે બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી. આ પછી તેણે અફઘાનિસ્તાન સામે હેટ્રિક લઈને આ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. પેટ કમિન્સે બાંગ્લાદેશ સામે 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ પછી અફઘાનિસ્તાન સામે પણ પેટ કમિન્સે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સે બંને મેચમાં હેટ્રિક પૂરી કરી હતી. કમિન્સે આ હેટ્રિકમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાન, કરીમ જનાત અને ગુલાબદિનની વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશની કમર તોડી નાખી

પેટ કમિન્સે છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે તેની T20 કારકિર્દીની પ્રથમ હેટ્રિક લીધી હતી. તેણે 17.5 ઓવરમાં મહમુદુલ્લાહને બોલ્ડ કરીને પ્રથમ વિકેટ લીધી હતી. કમિન્સે મેહદી હસનને ઓવરના છેલ્લા બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. કમિન્સે આગલી ઓવરના પહેલા જ બોલ પર તૌહીદ હ્રિદોયને આઉટ કરીને તેની હેટ્રિક પૂરી કરી. તૌહીદ 40 રન બનાવીને રમી રહ્યો હતો. કમિન્સની આ હેટ્રિકે બાંગ્લાદેશની કમર તોડી નાખી હતી અને તે 20 ઓવરમાં માત્ર 148 રન જ બનાવી શક્યું હતું.

T20 વર્લ્ડકપમાં હેટ્રિક લેનારા બોલરો

  • બ્રેટ લી (ઓસ્ટ્રેલિયા) – બાંગ્લાદેશ – 2007
  • કર્ટિનસ કેમ્પર (આયર્લેન્ડ) - નેધરલેન્ડ - 2021
  • વાનિન્દુ હસરંગા (શ્રીલંકા) – સાઉથ આફ્રિકા – 2021
  • કાગીસો રબાડા (સાઉથ આફ્રિકા) – ઈંગ્લેન્ડ – 2021
  • કાર્તિક મયપ્પન (UAE) – શ્રીલંકા – 2022
  • જોશુઆ લિટલ (આયર્લેન્ડ) - ન્યુઝીલેન્ડ - 2022
  • પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – બાંગ્લાદેશ – 2024
  • પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – અફઘાનિસ્તાન – 2024

T20 ક્રિકેટમાં 2 હેટ્રિક લેનારા બોલરો

  • લસિથ મલિંગા (શ્રીલંકા)
  • ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ)
  • વસીમ અબ્બાસ (માલ્ટા)
  • પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા)

  • Follow us on: