- ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડકપ 2024માંથી થયું બહાર
- વોર્નર T20I ક્રિકેટ જગતને કહીં શકે છે અલવિદા
- વનડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે
અફઘાનિસ્તાને પણ બાંગ્લાદેશને હરાવીને ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડકપમાંથી બહાર કરી દીધું છે. જો બાંગ્લાદેશ આ મેચ જીતી ગયું હોત તો ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પ્રવેશ્યું હોત. હવે ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાંથી બહાર થઈ જતાં કાંગારુ ખેલાડીની T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની પુષ્ટિ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય જર્સીમાં તેની છેલ્લી મેચ રમી છે.
છેલ્લી મેચ ભારત સામે રમી
24 જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાની નજર અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પર ટકેલી હતી. જો બાંગ્લાદેશ આ મેચ જીતી ગયું હોત તો ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચી ગયું હોત અને વોર્નર વધુ એક મેચ રમતા જોવા મળ્યો હોત.
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ બાદ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે કહ્યું હતું કે ડેવિડ વોર્નરની વિદાય અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચના પરિણામ પર નિર્ભર છે. તેનો અર્થ એ કે હેઝલવુડે પહેલા જ વોર્નરની ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિનો સંકેત આપી દીધો હતો. આ સિવાય ટીમના બીજા ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે મેચ બાદ કહ્યું હતું કે જો વોર્નરની કારકિર્દી આ રીતે સમાપ્ત થાય તો તે ખૂબ જ નિરાશાજનક હશે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પર બોલતા હેડે કહ્યું હતું કે અમે હજુ એક વધુ મેચ જોઈ રહ્યા છીએ, વોર્નર તમામ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.
વનડે અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી
ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યા બાદ ડેવિડ વોર્નરે ODI ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ પછી, વેસ્ટ ઈન્ડિઝ સાથે રમાયેલી ટેસ્ટ શ્રેણી પછી, વોર્નરે ટેસ્ટ ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
વોર્નરની T20 કારકિર્દી
ડેવિડ વોર્નરની 15 વર્ષની લાંબી T20 ઈન્ટરનેશનલ કારકિર્દીનો હવે અંત આવી ગયો છે. વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 110 T20 મેચ રમી છે. જેમાં તેના નામે 3277 રન છે. આ દરમિયાન વોર્નરે એક સદી અને 28 ફિફ્ટી ફટકારી હતી. T20માં વોર્નરનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 100 રન છે.