- T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનું શરમજનક પ્રદર્શન
- કેપ્ટન બાબર આઝમને ટીકાઓનો સામનો કરવો પડ્યો
- શોએબ અખ્તરે બાબર આઝમ પર સાંધ્યું નિશાન
T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ટીમને ભારત અને યુએસએ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ટીમ સુપર 8માં પણ જગ્યા બનાવી શકી નથી. ટીમના કેપ્ટન બાબર આઝમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. બાબરની કેપ્ટનશીપ પર પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ સવાલો ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે બાબર આઝમને લઈને મોટું નિવેદન આપ્યું છે.
શોએબ અખ્તરે બાબર પર નિશાન સાધ્યું હતું
શોએબ અખ્તર બાબરની કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવતો રહે છે. હવે તે T20 વર્લ્ડકપમાં હાર બાદ વધુ ગુસ્સે દેખાઈ રહ્યો છે. હાલમાં જ એક શો દરમિયાન તેણે બાબર આઝમ પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'તેમને કેપ્ટન બનાવવા પાછળ આઈન્સ્ટાઈનનું દિમાગ કોનું છે? બાબરમાં કેપ્ટનશિપ કરવાની ક્ષમતા નથી. તેણે આગળ કહ્યું, 'બાબર કેપ્ટન બનવા માટે યોગ્ય નથી. તેણે પાકિસ્તાન માટે રમત પૂરી કરવાની છે.' તેણે T20માં બાબરની પસંદગી પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું, 'જો બાબર ટીમને જીતાડી ન શકે તો તેને T20 ટીમમાં સામેલ ન કરવો જોઈએ.'
જાણો કેવો રહ્યો છે બાબરનો રેકોર્ડ
બાબર આઝમ એવો ખેલાડી છે જેણે T20માં પાકિસ્તાનની સૌથી વધુ કેપ્ટનશિપ કરી છે. તેણે 85 T20 મેચોમાં પાકિસ્તાનની કેપ્ટનશિપ કરી છે. આમાં તેણે 48 મેચ જીતી છે. તે પાકિસ્તાન માટે સૌથી વધુ T20 મેચ જીતનાર કેપ્ટન છે. જો કે તેની કેપ્ટનશિપમાં પાકિસ્તાન કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી શક્યો નથી. આ વખતે પણ તેને વર્લ્ડકપ પહેલા જ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.