- સાઉથ આફ્રિકા અફઘાનિસ્તાનને હરાવી ફાઈનલમાં પહોંચ્યું
- અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 56 રનમાં ઓલઆઉટ
- એડન માર્કરામ આઉટ હતો પણ અપીલ ના કરી
સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પ્રથમ સેમીફાઈનલ મેચમાં અફઘાનિસ્તાનની બેટિંગ ઘણી નબળી રહી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં જ સમેટાઈ ગઈ હતી. અફઘાનનો કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈએ સૌથી વધુ 10 રન બનાવ્યા હતા. આ પછી બોલિંગ દરમિયાન પણ અફઘાનિસ્તાને મોટી ભૂલ કરી. જો અફઘાનિસ્તાનની ટીમે આ ભૂલ ન કરી હોત તો કદાચ તે મેચને થોડી પકડી શકી હોત.
એડન માર્કરામ આઉટ હતો પણ અપીલ ના કરી
આ મેચમાં સાઉથ આફ્રિકાની ઇનિંગ્સની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. બીજી જ ઓવરમાં આફ્રિકાને પ્રથમ મોટો ફટકો ડી કોકના રૂપમાં લાગ્યો હતો. આ પછી, ત્રીજી ઓવરમાં નવીન ઉલ હકનો એક બોલ સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામના બેટ સાથે અથડાયો અને વિકેટકીપર ગુરબાઝના હાથમાં ગયો, પરંતુ ગુરબાઝે આના પર અપીલ કરી નહીં.
બીજી તરફ રાશિદ ખાનને લાગ્યું કે બોલ બેટ સાથે અથડાયો છે અને તેણે ગુરબાઝ તરફ ઈશારો પણ કર્યો પરંતુ ગુરબાઝે ઈશારો કર્યો કે તેને કોઈ અવાજ સંભળાયો નથી. આ પછી જ્યારે રિપ્લે જોવામાં આવ્યો તો બોલ માર્કરામના બેટ સાથે અથડાતો દેખાતો હતો.
અફઘાનિસ્તાનનું ખરાબ પ્રદર્શન
આ મેચમાં રાશિદ ખાનનો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. સાઉથ આફ્રિકાની ખતરનાક બોલિંગ સામે અફઘાનનો કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. સમગ્ર અફઘાન ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સેમિફાઇનલ જેવી મોટી મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ ચાહકોને ઘણા નિરાશ કર્યા છે.
મેચની સ્થિતિ
આજે ત્રિનિદાદમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે T20 વર્લ્ડકપની સેમિફાઇનલની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને પ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે અફઘાનિસ્તાના અભિયાનનો અંત આવ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ સાઉથ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં સમેટાઈ ગઈ હતી. ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી સાઉથ આફ્રિકાએ 1 વિકેટ ગુમાવીને 8.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.