- ભારત T20 વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર
- 1 જૂને ભારત બાગ્લાદેશ સામે વોર્મ-અપ મેચ રમશે
- ભારત ઘણા સમયથી ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ
T20 વર્લ્ડકપ 2024ને લઈને ચાહકોની નજર ટીમ ઈન્ડિયા પર ટકેલી છે. ટીમ ઈન્ડિયા આ વખતે પણ વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. 1 જૂને ભારતીય ટીમ બાંગ્લાદેશ સાથે વોર્મ-અપ મેચ રમશે. ટીમ ઈન્ડિયા છેલ્લા ઘણા સમયથી ICC ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમ ઈન્ડિયા મહત્વની મેચોમાં હારી જાય છે.
ચાહકોને ODI વર્લ્ડકપ 2023માં પણ કંઈક આવું જ જોવા મળ્યું. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પૂર્વ દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાને લઈને મોટું નિવેદન આપ્યું છે.
સુરેશ રૈનાએ કહ્યું- અમે વર્લ્ડકપ જીતીશું
આજે સુરેશ રૈના વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ને લઈને તેની ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સના કાર્યક્રમમાં પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાં ઈન્ડિયા ચેમ્પિયન્સની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં બોલતા પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું કે, રોહિત શર્માની ટીમે બધું આપ્યું અને સખત મહેનત કરી. જો અમને અમારી હારથી આટલું દુઃખ થયું હોય તો વિચારો કે ખેલાડીઓને કેટલું ખરાબ લાગ્યું હશે. આ વખતે અમે વર્લ્ડકપ જીતીશું, અમને થોડો સમય આપો. અમારી ટીમ અદ્ભુત છે.
ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે
ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ન્યૂયોર્કમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી વોર્મ-અપ મેચ ચૂકી શકે છે. કારણ કે કોહલી હજુ સુધી ન્યૂયોર્કમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો નથી. ટીમ ઈન્ડિયા 5 જૂનથી વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા 5 જૂને આયર્લેન્ડ સામે ટકરાશે. આ પછી ભારતીય ટીમ 9 જૂને પાકિસ્તાન સામે ટકરાશે. વિશ્વભરના કરોડો ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.