- T20 વર્લ્ડકપમાં 17 વર્ષ પછી ભારત બન્યું ચેમ્પિયન
- ખરાબ હવામાનને કારણે બાર્બાડોસમાં અટવાયી ભારતીય ટીમ
- ચેમ્પિયન ખેલાડીઓ ખુલ્લી બસમાં ટ્રોફી સાથે રેલી કાઢશે
ખરાબ હવામાનને કારણે બાર્બાડોસમાં અટવાયેલી ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી જીતીને ક્યારે પહોંચશે તે અંગે હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. જે ક્ષણની ભારતીય ટીમના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે નજીક આવી રહી છે. નવી માહિતી અનુસાર, ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે સવારે 6 વાગ્યે નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે.
ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસમાંથી ટાઈટલ જીતીને દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. BCCIએ ટીમ ઈન્ડિયાને લેવા માટે સ્પેશિયલ ફ્લાઈટ મોકલી છે. ખેલાડીઓ તેમના વતન પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ટીમ ઈન્ડિયાને મળશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને યુઝવેન્દ્ર ચહલ સહિતની આખી ટીમ ચક્રવાતી તોફાન બેરીલને કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. જેના કારણે ખેલાડીઓને પરત ફરવામાં વિલંબ થયો હતો.
પીએમ મોદી સાથે કરશે મુલાકાત
ભારતીય ક્રિકેટ ટીમ પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ટીમ ઈન્ડિયા ગુરુવારે બાર્બાડોસથી દિલ્હી પહોંચી રહી છે. બીસીસીઆઈએ ખેલાડીઓને લાવવા માટે એર ઈન્ડિયાનું બોઈંગ 777 વિમાન મોકલ્યું હતું. ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી શકે છે. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ તેઓ મુંબઈ જવા રવાના થશે.
અહીં કરશે રોડ શો
ભારતીય ટીમ એર ઈન્ડિયા ક્રિકેટ 24 વર્લ્ડ ચેમ્પિયન નામના વિશેષ ચાર્ટર પ્લેનમાં બાર્બાડોસથી ભારત પરત ફરી રહી છે. તમામ ખેલાડીઓ એરપોર્ટથી સીધા હોટલમાં જશે. આ પછી તમામ ખેલાડીઓ સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. વડાપ્રધાનને મળ્યા બાદ ટીમ મુંબઈ જવા રવાના થશે. મુંબઈ પહોંચ્યા બાદ ભારતીય ટીમ વિજય સરઘસ કાઢશે. ચેમ્પિયન ખેલાડીઓ ખુલ્લી બસમાં ટ્રોફી સાથે નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી જશે. આ પછી ભારતીય ખેલાડીઓને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.
સંપૂર્ણ શેડ્યૂલ કંઈક આ પ્રકારનું હશે
ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદીને મળી શકે છે. આ પછી નાસ્તો પીરસવામાં આવશે. આ બેઠક બાદ ભારતીય ખેલાડીઓ મુંબઈ જવા રવાના થશે. અહીં વિજય પરેડ થશે. આ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ ઈનામની રકમ આપશે. ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે મોટી સંખ્યામાં સમર્થકો પણ એરપોર્ટ પર પહોંચી શકે છે.
પત્રકાર પણ ટીમ સાથે
ભારતીય ટીમની સાથે ભારતીય મીડિયા પણ તોફાનના કારણે બાર્બાડોસમાં અટવાઈ ગયું હતું. ઘણા પત્રકારોની ટિકિટો કેન્સલ થઈ ગઈ હતી અને તેમને બુકિંગ પણ નહોતું મળતું. બીસીસીઆઈ સેક્રેટરી આ ચાર્ટર પ્લેનમાં આ 22 ભારતીય પત્રકારોને પણ સાથે લઈ ગયા છે. હવે આ તમામ ખાસ વિમાન દ્વારા ભારત પરત ફરી રહ્યા છે.