- ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ 10 હજાર રન બનાવવાનો રેકોર્ડ ગાવસ્કરના નામે
- વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી
- ટેસ્ટમાં પ્રથમ 34 સદી ફટકારવાનો રેકોર્ડ લિટલ માસ્ટર ઓફ ઇન્ડિયાના નામે
કોઈપણ બેટ્સમેન માટે સૌથી સુંદર ક્ષણ એ છે કે સદી ફટકારવી અને ટીમને જીત તરફ લઈ જવી. સદી સાબિત કરે છે કે ખેલાડીમાં માત્ર પ્રતિભા જ નથી પણ તેની પાસે ધીરજ પણ છે, જે ક્રિકેટ, ખાસ કરીને ટેસ્ટ મેચ માટે જરૂરી છે. જો કોઈ બેટ્સમેન બેવડી સદી ફટકારે છે, તો પછી કહેવાનું શું છે. વિશ્વમાં માત્ર કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હોય. અને દુનિયામાં એક જ એવો ક્રિકેટર છે, જેણે ટેસ્ટ મેચની ચારેય ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી હોય. તે ક્રિકેટર બીજું કોઈ નહીં પણ ભારતના લાડલા સુનીલ ગાવસ્કર છે.
ગાવસ્કરના નામે છે રોકોર્ડ
સુનીલ ગાવસ્કરનો ઉલ્લેખ થતાં જ બે રેકોર્ડ યાદ આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ 10 હજાર રન અને પ્રથમ 34 સદી ફટકારવાનો રેકોર્ડ. ગાવસ્કર આ રેકોર્ડ બનાવનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર હતા. જો કે હવે આ રેકોર્ડ્સ તૂટી ગયા છે. પરંતુ તેમનો એક રેકોર્ડ એવો છે જે વર્ષો પછી પણ અકબંધ છે. ટેસ્ટ ક્રિકેટની ચારેય ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારવાનો આ એક એવો રેકોર્ડ છે, જે કોઈ અન્ય ક્રિકેટર ત્યાં સુધી પહોંચી શક્યો નથી.
વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ બેવડી સદી
સુનીલ ગાવસ્કરે 1971માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. તેણે પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટ મેચની ત્રીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 220 રનની ઈનિંગ રમી હતી. ગાવસ્કરે આ મેચની પ્રથમ ઇનિંગમાં પણ 124 રન બનાવ્યા હતા. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
વાનખેડેમાં બીજી ડબલ સેન્ચૂરી
સુનીલ ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ સામે 1978માં પોતાની કારકિર્દીની બીજી બેવડી સદી ફટકારી હતી. પરંતુ આ વખતે મેદાન વેસ્ટ ઈન્ડિઝનું નહીં પરંતુ મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ હતું. આ વખતે ગાવસ્કરે મેચની પ્રથમ ઇનિંગમાં જ 205 રન બનાવ્યા હતા. જો કે આ વખતે પણ ભારતીય ટીમ સનીની બેવડી સદીનો ફાયદો ઉઠાવી શકી ન હતી અને મેચ ડ્રો રહી હતી.
ઇંગ્લેન્ડ સામે 221 રન
સુનીલ ગાવસ્કરની આગામી બેવડી સદી 1979માં આવી હતી. આ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ હતી. ગાવસ્કરે ઓવલ ટેસ્ટની ચોથી ઇનિંગમાં 221 રન બનાવ્યા હતા. આને ક્રિકેટની સૌથી રોમાંચક ટેસ્ટ મેચોમાં પણ ગણવામાં આવે છે, જેમાં ઈંગ્લેન્ડે ભારતને 438 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. અશક્ય લક્ષ્યનો પીછો કરતા ભારત એક સમયે જીતની ખૂબ નજીક હતું. જો રમત વધુ બે ઓવરની રમાઈ હોત તો ભારત આ મેચ જીતી શક્યું હોત. જ્યારે આ મેચ સમાપ્ત થઈ ત્યારે ભારતનો સ્કોર 8 વિકેટે 429 રન હતો. ભારતના આ શાનદાર જવાબમાં સુનીલ ગાવસ્કરની બેવડી સદીએ મોટી ભૂમિકા ભજવી હતી.
લિટલ માસ્ટર ઓફ ઇન્ડિયાએ 4 ટેસ્ટ ઇનિંગમાં ફટકારી બેવડી સદી
સુનીલ ગાવસ્કરની ચોથી બેવડી સદી 1983માં આવી હતી. લિટલ માસ્ટરે ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝના બોલરોને પાઠ ભણાવ્યો અને 236 રનની અણનમ ઈનિંગ રમી. ગાવસ્કરે ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં આ બેવડી સદી ફટકારી હતી. આ સાથે તે ટેસ્ટ મેચની ચારેય ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. આજે 40 વર્ષ પછી પણ સુનીલ ગાવસ્કરનો આ રેકોર્ડ અકબંધ છે.
સુનિલ ગાવસ્કરના રેકોર્ડ
સુનીલ ગાવસ્કરના ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો તેણે 125 ટેસ્ટ અને 108 વનડે મેચ રમી છે. ગાવસ્કરે ટેસ્ટ મેચોમાં 51.12ની એવરેજથી 10,122 રન બનાવ્યા છે, જેમાં 34 સદી અને 4 બેવડી સદીનો સમાવેશ થાય છે. ODI મેચોમાં ગાવસ્કરે 35.13ની એવરેજથી 3092 રન બનાવ્યા છે. સુનીલ ગાવસ્કરે ODI ક્રિકેટમાં એક સદી અને 27 અડધી સદી ફટકારી છે.