• આજે હાર્દિક પંડ્યાનો 30મો જન્મદિવસ
  • હાર્દિક પંડ્યાએ 2015માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું
  • હાર્દિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2016માં ડેબ્યૂ કર્યું હતું

આજે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો જન્મદિવસ છે. તેનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ થયો હતો અને તેથી આજે તે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે તેના જન્મદિવસ નિમિત્તે હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાં ભારતની બીજી મેચ રમવા જઈ રહ્યો છે. જો હાર્દિક આ મેચમાં સારું પ્રદર્શન કરશે તો તેનો જન્મદિવસ ખૂબ જ ખાસ બની જશે.

હાર્દિક પંડ્યાનો 30મો જન્મદિવસ

હાર્દિક પંડ્યા વર્તમાન સમયમાં ભારતનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. તે નવા બોલથી બોલિંગ પણ નાખી શકે છે અને બેટિંગમાં પણ તે 3 થી 7 નંબરની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. હાર્દિકની ઓળખ IPL સાથે થઈ હતી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે તેણે એક પછી એક શાનદાર પ્રદર્શન કર્યું હતું. જે બાદ તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું અને તે ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોની યાદીમાં સામેલ થઈ ગયો. હાર્દિકે માત્ર IPLમાં જ નહીં પરંતુ ભારતીય ટીમ માટે પણ ઘણી વખત યાદગાર પ્રદર્શન કર્યું છે.

IPLમાં હાર્દિક પંડ્યાની કેટલીક ખાસ સિદ્ધિઓ

હાર્દિક પંડ્યાએ 2015માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 123 મેચ રમી છે, જેમાં તેણે 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઈક રેટથી કુલ 2,309 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 10 ફિફ્ટી ફટકારી છે, જેમાં તેની શ્રેષ્ઠ ઇનિંગ 91 રન હતી. જ્યારે બોલિંગમાં હાર્દિકે 33.26ની એવરેજ અને 8.80ની ઈકોનોમી સાથે 53 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 17 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે. હાર્દિકે ચાર વખત મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખેલાડી તરીકે અને એક વખત ગુજરાત ટાઇટન્સ સાથે કેપ્ટન તરીકે આમ કુલ પાંચ વખત IPL ટાઈટલ જીત્યું છે. IPL 2022માં હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે 487 રન બનાવ્યા હતા અને 8 વિકેટ પણ લીધી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન

ભારતીય ક્રિકેટ ટીમ માટે હાર્દિક પંડ્યાએ ડેબ્યૂ 26 જાન્યુઆરી, 2016ના રોજ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાયેલી T20 મેચમાં કર્યું હતું. તેની ODI ડેબ્યૂ પણ ઓક્ટોબર 2016માં અને ટેસ્ટ ડેબ્યૂ જુલાઈ 2017માં કર્યું હતું. હાર્દિકે તેની T20 કારકિર્દીમાં રમાયેલી 92 મેચોમાં 139.83ની સ્ટ્રાઈક રેટ અને 25.43ની એવરેજથી 1348 રન બનાવ્યા છે. ODI ફોર્મેટમાં, તેણે 83 મેચોમાં 34.01 ની સરેરાશ અને 110.35 ની સ્ટ્રાઈક રેટથી કુલ 1769 રન બનાવ્યા છે, આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 91 રહ્યો છે. ટેસ્ટ ફોર્મેટમાં 11 મેચની 8 ઇનિંગ્સમાં હાર્દિકે 31.29ની એવરેજથી કુલ 532 રન બનાવ્યા છે, જેમાં એક વખત સદી પણ ફટકારી છે. આ સદીની ખાસ વાત એ છે કે હાર્દિક પંડ્યા ટેસ્ટ મેચમાં લંચ પહેલા સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.

હાર્દિક પંડ્યા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી

બોલિંગ દરમિયાન હાર્દિકે ટી20માં 73, વનડેમાં 80 અને ટેસ્ટ ફોર્મેટમાં 17 વિકેટ ઝડપી છે. હાર્દિક એકમાત્ર એવો ભારતીય ખેલાડી છે જેણે T20 મેચમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા છે અને 4 વિકેટ પણ લીધી છે. હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં પણ ફિફ્ટી ફટકારી છે. હાર્દિકે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં પણ ફિફ્ટી ફટકારી છે. આ કારણે, હાર્દિક પંડ્યા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે, કારણ કે તે બોલ, બેટ અને ફિલ્ડિંગથી મેચમાં કમાલ કરી શકે છે.

  • Follow us on: