• આજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
  • ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
  • ટ્રેવિસ હેડે કુસલ મેન્ડિસના રેકોર્ડની બરાબરી કરી

આજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની 27મી મેચ ધર્મશાળામાં રમાઇ રહી છે. આ વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચ રમી રહેલા ટ્રેવિસ હેડે માત્ર 25 બોલમાં શાનદાર ફિફ્ટી ફટકારી છે. આ ઇનિંગને કારણે ટ્રેવિસ હેડ હવે કુસલ મેન્ડિસની સાથે આ વર્લ્ડકપમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે.

ટ્રેવિસ હેડે ફટકારી ઝડપી ફિફટી

ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે આજે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કેમરૂન ગ્રીનના સ્થાને ટ્રેવિસ હેડને તક આપી હતી. ટ્રેવિસ હેડને વોર્નર સાથે ઓપનિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. મેનેજમેન્ટનું આ પગલું સાચુ સાબિત થયું અને વોર્નર સાથે હેડે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. પરિણામ એ આવ્યું કે ટ્રેવિસ હેડે માત્ર 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 6 બાઉન્ડ્રી અને 4 સિક્સ ફટકારી હતી.

વર્લ્ડકપમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર

વર્લ્ડકપમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ટોપ-4 ખેલાડીઓની યાદીમાં 3 ઓસ્ટ્રેલિયન છે. આ યાદીમાં ટ્રેવિસ હેડ ટોચ પર છે. જ્યારે વોર્નર 28 બોલમાં ફિફ્ટી ફટકારીને ચોથા નંબરે છે. આ યાદીમાં ગ્લેન મેક્સવેલનું નામ પણ સામેલ છે. મેક્સવેલે છેલ્લી મેચમાં 27 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ ટોપ-4 યાદીમાં એકમાત્ર નોન-ઓસ્ટ્રેલિયન વ્યક્તિ કુસલ મેન્ડિસ છે. હેડની જેમ શ્રીલંકાના આ બેટ્સમેને પણ 25 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

ટ્રેવિસ હેડ ઈજાના કારણે ટીમની બહાર હતો

ટ્રેવિસ હેડને ગયા મહિને ઈજા થઈ હતી. આ કારણે તેને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. તે લગભગ એક મહિના સુધી મેદાનથી દૂર હતો. તે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ભારત પણ આવ્યો ન હતો. તે થોડા દિવસ પહેલા જ ભારત આવ્યો હતો. છેલ્લી મેચમાં પણ તે રમે તેવી સંભાવના હતી પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને ભારતીય પરિસ્થિતિઓને અનુરૂપ તક આપવાનો નિર્ણય કર્યો અને તેને પ્લેઇંગ-11માં સામેલ કર્યો ન હતો. આજે જ્યારે તેને ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યો ત્યારે તેણે તબાહી મચાવી હતી.

  • Follow us on: