- ટ્રેવર બેલિસની પંજાબ કિંગ્સના મુખ્ય કોચ તરીકે વરણી
- પંજાબની ટીમમાં બેલિસ અનિલ કુંબલેનું સ્થાન લેશે
- ઇંગ્લેન્ડને ODI વર્લ્ડકપ, KKRને IPL ટાઈટલ જીતાડ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ પંજાબ કિંગ્સ (PBKS)ને નવો મુખ્ય કોચ મળ્યો છે. ઈંગ્લેન્ડની ટીમને વર્લ્ડકપ અપાવનાર ટ્રેવર બેલિસને આ જવાબદારી સોંપવામાં આવી છે. બેલિસે ઇંગ્લેન્ડની ટીમને 2019માં વર્લ્ડકપ જીતાડવામાં નેતૃત્વ કર્યું હતું. હવે તે પંજાબની ટીમમાં અનિલ કુંબલેનું સ્થાન લેશે. 59 વર્ષીય બેલિસ અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના મુખ્ય કોચ રહી ચૂક્યા છે.
બેલિસ ખિતાબના દુકાળને ખતમ કરશે?
હવે પંજાબ કિંગ્સને આશા છે કે ટ્રેવર બેલિસ ટીમના ખિતાબના દુકાળને ખતમ કરવામાં સફળ રહેશે. ઓસ્ટ્રેલિયન બેલિસ ભારતના દિગ્ગજ ખેલાડી અનિલ કુંબલેનું સ્થાન લેશે, જેમનો કરાર લંબાવવામાં આવ્યો ન હતો કારણ કે ટીમ તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.
ઈંગ્લેન્ડે વર્લ્ડકપ જીતાડ્યો
2019માં ટ્રેવર બેલિસના કોચિંગ હેઠળ ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ વખત 50-ઓવરનો વર્લ્ડકપ જીત્યો હતો, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 2012 અને 2014માં IPL ટાઈટલ જીત્યું ત્યારે ટ્રેવર બેલિસ ટીમના સપોર્ટ સ્ટાફનો ભાગ હતો. બેલિસ વર્લ્ડકપ જીત્યા બાદ 2019માં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો કોચ બન્યો હતો. તેણે એક દાયકા પહેલા બિગ બેશ લીગ (BBL)ની પ્રથમ સિઝનમાં સિડની સિક્સર્સને ટાઈટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બેલિસે શેફિલ્ડ શીલ્ડમાં ન્યૂ સાઉથ વેલ્સની કોચિંગ પણ કરી છે.
કોચ તરીકે કુંબલેનો ખરાબ રેકોર્ડ
પંજાબ કિંગ્સ ટીમની કોચિંગ સંભાળતી વખતે અનિલ કુંબલે પોતાનો ઉત્સાહ બિલકુલ બતાવી શક્યો ન હતો. તેમના કાર્યકાળ દરમિયાન પંજાબ કિંગ્સે 42 મેચ રમી હતી, જેમાં તેણે 18 મેચ જીતી હતી અને ટીમ 22 મેચ હારી હતી. બે મેચ ટાઈ રહી હતી.
પંજાબની ટીમ બે વખત પ્લેઓફમાં પહોંચી
બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની માલિકીની પંજાબની ટીમ IPLની પ્રથમ સિઝનથી રમી રહી છે. આ ટીમ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબ તરીકે જાણીતી હતી. પંજાબ કિંગ્સ 2014ની ફાઇનલમાં સહિત માત્ર બે વખત પ્લે-ઑફમાં જગ્યા બનાવી શકી છે.

IPL 2022માં એવરેજ પ્રદર્શન
2022ની IPLની હરાજીમાં પંજાબે લિયામ લિવિંગસ્ટોન, કાગિસો રબાડા, શિખર ધવન જેવા ખેલાડીઓને ખરીદ્યા હતા. તેમજ હરાજી પહેલા પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને રિટેન કર્યા હતા. અર્શદીપ સિંહ IPL 2022માં હેડલાઇન્સમાં આવ્યો હતો, જ્યારે કેપ્ટન મયંકર અગ્રવાલ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
મયંકને સુકાનીપદેથી હટાવવાની ચર્ચા
મયંક અગ્રવાલે IPL 2022માં 16.33ની એવરેજ અને 122.5ની સ્ટ્રાઈક રેટથી માત્ર 196 રન બનાવ્યા હતા. આ પ્રદર્શન છેલ્લી ત્રણ IPLમાં તેના પ્રદર્શનથી તદ્દન વિપરીત હતું. 2019માં મયંકે 141.88ની સ્ટ્રાઈક રેટથી 332 રન બનાવ્યા હતા. જ્યારે મયંકે 2020 અને 2021માં અનુક્રમે 424 અને 441 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સના કેપ્ટન પદ પરથી મયંક અગ્રવાલને હટાવવાની અટકળો પણ ચાલી રહી હતી. જો કે, બાદમાં પંજાબ કિંગ્સ દ્વારા તેનો ઇનકાર કરવામાં આવ્યો હતો.