- T20 વર્લ્ડકપ 2024માં લીગ સ્ટેજની મેચો સમાપ્ત
- વર્લ્ડકપ યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાઈ રહ્યો છે
- આ વર્લ્ડકપમાં ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે
યુનાઇટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા T20 વર્લ્ડકપ 2024ની યજમાની કરવામાં આવી રહી છે. આ વર્લ્ડકપમાં ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે. ફિક્સિંગનો મામલો સામે આવ્યા બાદ ICC એક્શનમાં આવ્યું છે. વિશ્વ કપ દરમિયાન યુગાન્ડાના એક ખેલાડીનો કેન્યાના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. માહિતી મળ્યા બાદ ICCનું એન્ટી કરપ્શન યુનિટ તરત જ સક્રિય થઈ ગયું છે.
જાણો શું છે સમગ્ર મામલો
એક એહેવાલ અનુસાર, આ ઘટના ગયાનામાં ગ્રુપ સ્ટેજની મેચ દરમિયાન બની હતી. આ સમય દરમિયાન કેન્યાના પૂર્વ બોલરે યુગાન્ડાના ખેલાડીને અલગ-અલગ નંબરોથી ઘણી વખત કોલ કર્યો હતો. યુગાન્ડાના ખેલાડીએ ICCના ભ્રષ્ટાચાર વિરોધી પ્રોટોકોલનું પાલન કર્યું અને ACU અધિકારીઓને જાણ કરી. આ પછી અધિકારીએ કેન્યાના પૂર્વ ખેલાડીને ચેતવણી આપી છે. આ સિવાય તમામ ટીમોને તેના વિશે જાણ કરવામાં આવી છે.
આ અંગેની માહિતી આપતાં એક સૂત્રએ કહ્યું કે, 'તે આશ્ચર્યજનક નથી કે કોઈ યુગાન્ડાના ખેલાડીને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોટા દેશોના ખેલાડીઓ કરતાં સહયોગી દેશોના ખેલાડીઓને લક્ષ્ય બનાવવું સરળ છે. આ મામલે ખેલાડીએ તરત જ ICCને આ અંગે જાણ કરી હતી. નોંધનીય છે કે ICCના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા અનુસાર ભ્રષ્ટ સંપર્કોની જાણ ન કરવી પણ અપરાધની શ્રેણીમાં આવે છે. આ સિવાય મેચ ફિક્સિંગ, સ્પોર્ટ્સ પર સટ્ટો રમવો, અંદરની માહિતીનો દુરુપયોગ અને તપાસમાં સહકાર ન આપવો પણ ગુનાની શ્રેણીમાં આવે છે.
T20 વર્લ્ડકપમાં યુગાન્ડાનું પ્રદર્શન
ત્રિનિદાદમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં યુગાન્ડાએ પાપુઆ ન્યુ ગિની સામે જીત મેળવી છે. ટીમને અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝથી હારનો સામનો કરવો પડ્યો છે. યુગાન્ડાએ ગુયાનામાં ગ્રુપ સ્ટેજમાં તેની ચારમાંથી ત્રણ મેચ રમી છે.