• રોહિત શર્માએ 2022થી ભારત માટે T20 મેચ નથી રમી
  • ભારત તરફથી હાર્દિક પંડ્યાએ T20માં કેપ્ટનશીપ કરી
  • રોહિતે શર્માએ વનડેમાં 130ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી

હાલમાં જ રોહિત શર્માના T20માં ભવિષ્યને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. T20 વર્લ્ડકપ 2022થી, રોહિત શર્માએ T20 માં ભારત માટે કોઈ મેચ રમી નથી. તેની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી. હાલમાં જ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે રોહિત શર્માએ પોતે કહ્યું છે કે તે ટી20 નહીં રમે. કારણ કે તે ઈચ્છે છે કે ટીમમાં યુવા ખેલાડીઓને તક મળે અને ટીમમાં રહે. જ્યારથી આ રિપોર્ટ સામે આવ્યો છે, ત્યારથી આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડકપ 2024માં રોહિતની રમવાને લઇને ઘણી અટકળો ચાલી રહી છે.

આ દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુરલીધરને ટી20માં ભારતીય કેપ્ટન રોહિત શર્માના ભવિષ્ય વિશે વાત કરી હતી. મુરલીધરને કહ્યું કે જો તે ઈચ્છે તો આવતા વર્ષે જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડકપ 2024માં રમે. આ વિશે વાત કરતા મુરલીધરને કહ્યું કે જો તે વિરાટ કોહલીની જેમ પોતાની ફિટનેસ પર ધ્યાન આપે તો તે બીજો વર્લ્ડકપ રમી શકે છે.

તે ટૂર્નામેન્ટમાં ક્યારેય નિષ્ફળ નથી ગયો

મુરલીધરને વર્લ્ડકપ 2023માં રોહિતના પ્રદર્શન વિશે કહ્યું, "જો તમે તેના ODI વર્લ્ડકપના પ્રદર્શન પર નજર નાખો, તો તેણે આપેલી શરૂઆત, તેણે જે પ્રકારની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી છે. તે ટૂર્નામેન્ટમાં ક્યારેય નિષ્ફળ ગયો નથી અને તે માત્ર 36 વર્ષનો છે, તે યુવાન છે. જો તે વિરાટની જેમ તેની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરે તો તે બીજો વર્લ્ડકપ રમી શકે છે. લોકો શા માટે આટલી કઠોર વાત કરી રહ્યા છે કે યુવાઓને લાવવાનો આ યોગ્ય સમય છે.

તે ચોક્કસપણે બીજો વર્લ્ડકપ રમશે

મુરલીધરને વર્લ્ડકપ 2023માં રોહિત શર્માના સ્ટ્રાઈક રેટ વિશે વાત કરતા કહ્યું કે તે આગામી ટુર્નામેન્ટમાં પણ રમશે. તેણે કહ્યું, "રોહિતે વનડેમાં 130ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે જે T20 માટે ખરાબ નથી. તે એક અનુભવી ખેલાડી છે. તમારે 35 પછી તમારી ફિટનેસ પર વધુ મહેનત કરવી પડશે. જો ઈચ્છા હશે તો તે રમશે. મને લાગે છે કે તે ચોક્કસપણે બીજો વર્લ્ડકપ રમશે.રોહિત શર્મા વર્તમાન ટી20 સીરીઝ માટે ભારતીય ટીમનો ભાગ નથી. તે જોવાનું એ છે કે તે દક્ષિણ આફ્રિકાની ટી-20 શ્રેણી માટે જનારી ટીમનો ભાગ બનશે કે નહીં.

ફેન્સ રોહિત શર્માને T20માં જોવા માંગે છે

રોહિત શર્માએ તાજેતરમાં ICC વર્લ્ડકપ 2023માં શાનદાર ફોર્મ બતાવ્યું હતું અને આક્રમક શૈલીમાં બેટિંગ કરી હતી. આ કારણે ભારતીય કેપ્ટન ટી20માં ન રમવાના અહેવાલો પર ઘણા સવાલો ઉભા થયા હતા. ઘણા ફેન્સતેને રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં રમવાની પણ હિમાયત કરી હતી.


  • Follow us on: