- ફ્રાન્સ સામે 2-1થી હારી ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર થયું
- કેપ્ટન હેરી કેન પેનલ્ટી ચૂકી ગયો અને ઈંગ્લેન્ડનું સપનું તૂટ્યું
- ઈંગ્લેન્ડને રમતની 84મી મિનિટે બરાબરી કરવાની તક મળી હતી
FIFA વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડની સફર પૂરી થઈ ગઈ છે. ઇંગ્લેન્ડની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામે 2-1થી પરાજય પામી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને પેનલ્ટી પર શાનદાર ગોલ કર્યો હતો પરંતુ બીજી વખત તે ચૂકી ગયો હતો.
હેરી કેન પેનલ્ટી ચૂક્યો
હેરી કેન પ્રથમ પેનલ્ટી પર ગોલ કર્યા બાદ બીજી પેનલ્ટી ચૂકી ગયો, જેના કારણે ઈંગ્લેન્ડની વર્લ્ડ કપની આશા પણ બરબાદ થઈ ગઈ હતી. જોકે, તેના સાથી ખેલાડીઓએ આ સ્ટાર સ્ટ્રાઈકરને સપોર્ટ કર્યો હતો. જ્યારે ફ્રાન્સ આ વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઈનલ મેચમાં 2-1થી આગળ હતું, ત્યારે ઈંગ્લેન્ડને રમતની 84મી મિનિટે બરાબરી કરવાની તક મળી હતી, પરંતુ પેનલ્ટી પર કેનનો શોટ ક્રોસબાર પર ગયો હતો. આ સાથે ઈંગ્લેન્ડની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ ખતમ થઈ ગઈ છે.

ઈંગ્લેન્ડના ખેલાડીઓએ કેનને ટેકો આપ્યો
ફ્રાન્સના સ્ટાર સ્ટ્રાઈકર કાઈલિન એમબાપ્પે કેનની ભૂલની ઉજવણી કરી હતી, પરંતુ ઈંગ્લેન્ડના ખેલાડીઓ અને સમર્થકો સ્તબ્ધ થઈ ગયા હતા. કેન પોતે માની શકતો ન હતો કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે. તેણે તેના શર્ટથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો. જોકે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ કેનને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ સ્ટ્રાઈકરે દુઃખી થવાની જરૂર નથી કારણ કે તેના કારણે જ ટીમ આ સ્થાને પહોંચી હતી.
હેરી કેને વેઈન રૂનીના રેકોર્ડની બરાબરી કરી
ઈંગ્લેન્ડના મિડફિલ્ડર જોર્ડન હેન્ડરસને કહ્યું કે, અમે જાણીએ છીએ કે હેરીએ અમારા માટે પેનલ્ટી પર કેટલા ગોલ કર્યા છે. તેણે આ મેચમાં પ્રથમ પેનલ્ટીને પણ કન્વર્ટ કરી હતી. તેણે અમને અહીં સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ફ્રાન્સ સામેનો ગોલ ઈંગ્લેન્ડ માટે તેનો 53મો ગોલ હતો, જેણે વેઈન રૂનીના રાષ્ટ્રીય રેકોર્ડની બરાબરી કરી હતી.

કોચ ગેરેથે હેરી કેનની પ્રશંસા કરી
ઈંગ્લેન્ડના કોચ ગેરેથ સાઉથગેટે કહ્યું, “તેણે અમારા માટે અવિશ્વસનીય પ્રદર્શન કર્યું છે અને આ પેનલ્ટી પરિસ્થિતિઓમાં તે અમારો સૌથી ભરોસાપાત્ર ખેલાડી રહ્યો છે. તેણે કરેલા ગોલની સંખ્યા વિના અમે અહીં સુધી પહોંચી શક્યા ન હોત." કેનની ભૂલને કારણે, ફ્રાન્સે મેચ 2-1થી જીતી લીધી અને સેમીફાઇનલમાં જગ્યા બનાવી જ્યાં તેનો સામનો મોરોક્કો સામે થશે.