- પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યું છે
- ઓલિમ્પિકમાં ફ્રી સ્ટાઇલ રેસલિંગની સેમિફાઇનલમાં જગ્યા બનાવી
- ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવી
ભારતની દિગ્ગજ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ફ્રી સ્ટાઇલ રેસલિંગની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવી હતી. વિનેશ ફોગાટ 50 કિગ્રા વર્ગમાં ભાગ લઈ રહી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ફોગાટની હવે ઓલિમ્પિકમાં મેડલની આશા વધી ગઈ છે. હવે તે મેડલથી માત્ર એક જીત દૂર છે. વિનેશ મંગળવારે 6 ઓગસ્ટે રાત્રે 10.15 કલાકે સેમિફાઇનલમાં ક્યુબાની રેસલર ગુઝમેન લોપેઝ સામે ટકરાશે.
વિનેશ ફોગાટે વિશ્વને ચોંકાવ્યું
વિનેશ ફોગાટ 50 કિ.ગ્રા. રેસલિંગ મેચમાં શાનદાર જીત હાંસલ કરીને વિશ્વને ચોંકાવી દીધું. વિનેશે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોમાંચક રીતે જાપાનના કુસ્તીબાજ યુઈ સુસાકીને 3-2થી હરાવી હતી. આ સાથે તે હવે ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ હતી. વિનેશની આ જીત ઘણી મોટી છે કારણ કે તેણે ઓલિમ્પિક ચેમ્પિયન અને જાપાનની નંબર-1 ખેલાડીને હરાવી છે. આટલું જ નહીં, યૂઇ સુસાકીએ તેની કારકિર્દીમાં આજ સુધી એકપણ આંતરરાષ્ટ્રીય મેચ હારી નથી.
5 વખતની વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
વિનેશ ફોગાટ માટે આ મેચ આસાન ન હતી, કારણ કે યુઇ સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકની ફાઇનલમાં એક પણ પોઈન્ટ આપ્યા વિના ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલું જ નહીં તે 4 વખત વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચૂકી છે. બીજી તરફ વિનેશ આજ સુધી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી શકી નથી. આ સિવાય સુસાકી છેલ્લા 14 વર્ષમાં માત્ર 3 બાઉટ હારી છે. તેથી તે આ મેચમાં ફેવરિટ માનવામાં આવતી હતી. જોકે, વિનેશે પોતાના અભિનયથી આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. આ મહત્વની મેચમાં વિનેશે પોતાની જાત પર નિયંત્રણ રાખ્યું અને ખૂબ જ શાંતિથી પોતાનું સંયમ જાળવી રાખ્યું હતું.