ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 3 વિકેટે 81 રન છે. આ રીતે ભારતીય ટીમની લીડ વધીને 308 રન થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ચેન્નાઈ ટેસ્ટ નિરાશાજનક રહી હતી. વિરાટ કોહલી પ્રથમ દાવમાં 6 રન બનાવી શક્યો હતો. જ્યારે તેઓ બીજી ઈનિંગમાં 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, ત્યારે બીજી ઈનિંગમાં વિરાટ કોહલી જે રીતે પેવેલિયન પરત ફર્યો તે ચર્ચાનો વિષય છે.
કોહલીએ રિવ્યું ન લીધો
વિરાટ કોહલી બીજી ઇનિંગમાં મેહદી હસન મિરાજના બોલ પર LBW થયો હતો. મેહદી હસન મિરાજનો બોલ વિરાટ કોહલીના પેડ પર વાગ્યો હતો. જે બાદ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. વિરાટ કોહલીએ તેના સાથી ખેલાડી શુભમન ગિલ સાથે વાતચીત કરી હતી, પરંતુ તેણે રિવ્યુ ન લેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, વિરાટ કોહલી જ્યારે પેવેલિયન પરત ફર્યો ત્યારે રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે નોટઆઉટ હતો. બોલ વિરાટ કોહલીના પેડ સાથે અથડાતા પહેલા બેટ સાથે અથડાઈ ગયો હતો, પરંતુ વિરાટ કોહલી અને શુભમન ગિલને તેની કોઈ જાણ નહોતી.
રોહિત શર્માનું રિએકશન વાયરલ
આ રીતે વિરાટ કોહલીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. હવે રોહિત શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય બેટ્સમેનો નિયમિત અંતરે પોતાની વિકેટ ગુમાવી રહ્યા હતા. પરંતુ રવિ અશ્વિનની સદી અને રવિન્દ્ર જાડેજાના 86 રનની મદદથી ભારતે 376 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશનો દાવ માત્ર 149 રનમાં સમેટાઈ ગયો હતો.