- કોહલી IPLમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી બની ગયો છે
- વિરાટ કોહલીએ IPLની છેલ્લી 7 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે
- IPLના ઇતિહાસમાં 7500 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન છે
વિરાટ કોહલી IPL 2024માં પ્રથમ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી ટુર્નામેન્ટની 19 નંબરની મેચમાં, કોહલીએ બેંગલુરુ માટે 72 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 113* રન બનાવ્યા હતા. IPLમાં વિરાટ કોહલીની આ 8મી સદી હતી. RCBના ભૂતપૂર્વ કેપ્ટન એવા બેટ્સમેન છે જેણે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારી છે. આ સિવાય કિંગ કોહલીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. તો ચાલો જાણીએ કોહલીના કેટલાક 'વિરાટ' રેકોર્ડ્સ.
આઈપીએલમાં સૌથી વધુ કેચ
કોહલી IPLમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી બની ગયો છે. તેણે સુરેશ રૈનાને હરાવ્યો છે. કિંગ કોહલીએ 110 કેચ પૂરા કર્યા છે, જ્યારે રૈનાએ તેની IPL કારકિર્દીમાં 109 કેચ પકડ્યા હતા. રૈના આઈપીએલ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક રહ્યો છે.
8મી સદી ફટકારી
રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં કોહલીએ આઈપીએલ કારકિર્દીની આઠમી સદી ફટકારી હતી. જો કે, તેની 8મી સદી પહેલા પણ તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન હતો. 8 સદી સાથે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં કોહલી ટોચના સ્થાને છે. ત્યારબાદ જોસ બટલર અને ક્રિસ ગેલ 6-6 સદી સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
છેલ્લી સાત ઇનિંગ્સમાં 3 સદી
વિરાટ કોહલીએ IPLની છેલ્લી 7 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે. આ પહેલા 2023 IPLમાં કોહલીએ હૈદરાબાદ અને ગુજરાત સામે સદી ફટકારી હતી.
60 વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો
વિરાટ કોહલીએ તેની IPL કરિયરમાં અત્યાર સુધી 242 મેચ રમી છે. આ મેચોની 234 ઈનિંગ્સમાં તેણે 38.28ની એવરેજ અને 130.63ની સ્ટ્રાઈક રેટથી 7579 રન બનાવ્યા છે. IPLના ઇતિહાસમાં કોહલી 7500 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન છે. આ સમયગાળા દરમિયાન, તેણે 60 વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે, જેમાં 52 અડધી સદી અને 8 સદીનો સમાવેશ થાય છે.