• વીવીએસ લક્ષ્મણ NCAના વડા તરીકે યથાવત રહેશે
  • તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવશે
  • આ પહેલા રાહુલ દ્રવિડ પાસે NCAની જવાબદારી હતી

ભુતપૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકે યથાવત રહેશે. તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવશે. લક્ષ્મણનો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આવતા મહિને સપ્ટેમ્બરમાં પૂરો થાય છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે આગામી વર્ષની IPL સિઝન માટે ફ્રેન્ચાઇઝીનો હેડ કોચ બની શકે છે.

આ તમામ શક્યતાઓને નકારીને લક્ષ્મણે NCA ચીફ તરીકેનો કાર્યકાળ લંબાવવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. તેમની સાથે તેમના સાથીદારો સિતાંશુ કોટક, સાઇરાજ બહુતુલે અને ઋષિકેશ કાનિટકરનો કાર્યકાળ પણ લંબાવવામાં આવશે. લક્ષ્મણને વર્ષ 2021માં સૌરવ ગાંગુલી દ્વારા NCAની કમાન સોંપવામાં આવી હતી જ્યારે તેઓ BCCIના અધ્યક્ષ હતા.

NCA નવા કેમ્પસમાં શિફ્ટ થવાનું છે

નેશનલ ક્રિકેટ એકેડમી હવે નવા કેમ્પસમાં શિફ્ટ થશે. નવા અત્યાધુનિક NCA સંકુલમાં ઓછામાં ઓછી 100 પિચ હશે, જેમાં 45 ઇન્ડોર પિચનો સમાવેશ થાય છે. આ સુવિધામાં ત્રણ આંતરરાષ્ટ્રીય કદના મેદાનો, એક આધુનિક પુનર્વસન કેન્દ્ર, રહેવાની સગવડો અને ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યો નેશનલ ક્રિકેટ એકેડમીમાં અંતિમ તબક્કામાં છે. આગામી વર્ષની શરૂઆતથી ખેલાડીઓને આ તમામ સુવિધાઓ મળવાની શક્યતા છે.

આ પહેલા દ્રવિડ પાસે NCAની જવાબદારી હતી

લક્ષ્મણ પહેલા રાહુલ દ્રવિડ પાસે NCAની જવાબદારી હતી. વર્ષ 2021માં દ્રવિડને ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનાવવામાં આવ્યા બાદ NCAની જવાબદારી લક્ષ્મણને સોંપવામાં આવી હતી. NCAમાં તેના પ્રથમ ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન, લક્ષ્મણે ઇજા વ્યવસ્થાપન, ખેલાડીઓના પુનર્વસન, કોચિંગ કાર્યક્રમો અને વરિષ્ઠ ટીમ-જુનિયર ટીમો સાથે મહિલા ક્રિકેટ માટે એક મહાન રોડમેપ તૈયાર કર્યો છે.

  • Follow us on: