• ઈન્ઝમામ ઉલ હકે મુખ્ય પસંદગીકારના પદેથી આપ્યુ રાજીનામુ
  • મેચ ફિક્સિંગમાં નામ આવતા બટ્ટ પર 5 વર્ષનો પ્રતિબંધ
  • પાકિસ્તાન તરફથી ઓપનિંગ કરતો હતો બટ્ટ

પાકિસ્તાન ક્રિકેટ ટીમને શરમાવનાર પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટને PCBએ મોટી જવાબદારી સોંપી છે. સલમાન બટ્ટને આગામી વર્ષે ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી પહેલા રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યો છે. 39 વર્ષીય બટ્ટે સ્પોટ ફિક્સિંગ કેસમાં પાંચ વર્ષના પ્રતિબંધ બાદ 2016માં ક્રિકેટમાં વાપસી કરી હતી.

મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝના સલાહકાર તરીકે નિયુક્ત

બટ્ટ, કામરાન અકમલ અને રાવ ઈફ્તિખાર અંજુમને તાજેતરમાં નિયુક્ત મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓગસ્ટ 2010માં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન સ્પોટ ફિક્સિંગમાં તેની ભૂમિકા બદલ બટ્ટ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે 2016 માં ક્રિકેટમાં પાછો ફર્યો અને ઘરેલુ સ્પર્ધાઓમાં ઘણો સફળ રહ્યો પરંતુ રાષ્ટ્રીય ટીમમાં તે કમબેક કરી શક્યો નહીં.

સલમાન બટ્ટનુ કરીયર

સલમાન બટ્ટ પાકિસ્તાન માટે કુલ 33 ટેસ્ટ, 78 વનડે અને 24 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. સલમાને ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન માટે 1889 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં તેના નામે 3 સદી અને 10 અડધી સદી છે. જ્યારે ODIમાં સલમાન બટ્ટે 2725 રન બનાવ્યા હતા. ODI ક્રિકેટમાં તેના નામે 8 સદી અને 14 અડધી સદી છે, જ્યારે T20માં તેણે 595 રન બનાવ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ

ભારતમાં યોજાયેલા ICC ODI વર્લ્ડ કપ બાદથી પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ઉથલપાથલ ચાલી રહી છે. ઈન્ઝમામ ઉલ હકે ટૂર્નામેન્ટની વચ્ચે પસંદગીકાર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ બાબરે પણ કેપ્ટનશીપ છોડી દીધી અને આ જવાબદારી શાન મસૂદને આપવામાં આવી. પાકિસ્તાનના ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ રાજીનામું આપી દીધું હતું. આ રીતે પાકિસ્તાન ક્રિકેટ ટીમનું મેનેજમેન્ટ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

  • Follow us on: