- સુદર્શને દક્ષિણ આફ્રિકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું
- IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમે છે સુદર્શન
- સાઈ સુદર્શનના માતા-પિતા એથ્લેટ હતા
સાઈ સુદર્શને ભારતીય ક્રિકેટ ટીમ માટે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. સાઈ સુદર્શન ભારતના ઉભરતા ક્રિકેટર છે. સુદર્શને 22 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય કેપ મેળવી હતી. તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર 400મો ખેલાડી છે. સુદર્શનના માતા-પિતા રમતવીર રહી ચૂક્યા છે. પિતાએ દક્ષિણ એશિયન ગેમ્સમાં રમતવીર તરીકે ભાગ લીધો છે, જ્યારે માતા ઉષા ભારદ્વાજે તમિલનાડુ માટે વોલીબોલ રમી છે. સુદર્શને આટલી નાની ઉંમરે પોતાની ટેકનિક સાબિત કરી છે.
ડેબ્યૂ મેચમાં જ અર્ધ શતક માર્યું
સાઇ સુદર્શને પોતાની ડેબ્યૂ મેચમાં જ અર્ધ શતક માર્યું છે. સુદર્શને 43 બોલમાં 9 ફોરની મદદથી 55 રન બનાવી અણનમ રહ્યો હતો. આ મેચમાં શ્રેયસ ઐયરે પણ 45 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ સાથે ભારતે વન ડે સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે.
સાઈ સુદર્શન ટોપ ઓર્ડર બેટ્સમેન
ડોમેસ્ટિક ક્રિકેટમાં તમિલનાડુ તરફથી રમતા સાઈ સુદર્શન ટોપ ઓર્ડર બેટ્સમેન છે. વર્ષ 2022માં IPL દરમિયાન સુદર્શન પહેલીવાર લાઈમલાઈટમાં આવ્યા હતા. જ્યારે તેણે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા IPL જેવા મોટા મંચ પર પોતાની પ્રતિભા દર્શાવી હતી. તેણે 5 મેચમાં એક અડધી સદીની મદદથી 145 રન બનાવ્યા હતા. સુદર્શનની આ ઉત્કૃષ્ટ પ્રતિભા જોઈને ગુજરાત ટાઇટન્સે તેને IPL 2023 માટે જાળવી રાખ્યો હતો. આ ડાબા હાથના બેટ્સમેને IPLની 16મી સિઝનમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.