- આજથી WPL 2024ની શરૂઆત થશે
- પ્રથમ મેચ મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાશે
- બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
WPL 2024ની શરૂઆત આજથી એટલે કે 23 ફેબ્રુઆરીથી થશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પરંતુ તે પહેલા આ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ રંગારગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ લિસ્ટમાં શાહરૂખ ખાનથી લઈને શાહિદ કપૂર સહિત ઘણા મોટા કલાકારો સામેલ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ઉપરાંત, ચાહકો પણ ઉદ્ઘાટન સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
કિંગ ખાન મચાવશે ધૂમ
ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન પણ જોવા મળશે. કિંગ ખાન પણ પોતાનું જોરદાર પ્રદર્શન આપીને WPL 2024 સીઝનને ચાહકો માટે યાદગાર બનાવવા માટે તૈયાર છે. આ સિવાય શાહિદ કપૂર પણ ઓપનિંગ સેરેમનીમાં આકર્ષણ જમાવતો જોવા મળશે.
રંગારગ કાર્યક્રમ ક્યારે શરૂ થશે?
WPL 2024નો રંગારગ કાર્યક્રમ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે. જેમાં છ કલાકારો આવવાના છે. શાહરૂખ ખાન ઉપરાંત શાહિદ કપૂર, વરુણ ધવન, ટાઈગર શ્રોફ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાર્તિક આર્યન હાજરી આપે તેવી શક્યતા છે. જે બાદ ઓપનિંગ સેરેમની ચાહકો માટે ખૂબ જ યાદગાર બની રહેશે. WPL 2024 ની ઓપનિંગ સેરેમની 23 ફેબ્રુઆરીએ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે અને મેચ એક કલાક પછી એટલે કે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. WPLની પ્રથમ સિઝન ઘણી સારી રહી હતી. ચાહકોને પણ આ લીગ ઘણી પસંદ આવી.
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે ટક્કર
શરૂઆતની મેચની વાત કરીએ તો, તે હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ અને મેગ લેનિંગની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ બંને ટીમો વચ્ચે WPLની પ્રથમ સિઝનની ફાઈનલ પણ રમાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ WPL ટાઈટલ જીત્યું હતું અને મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે દિલ્હી શરૂઆતની મેચમાં તે ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.