- વનડે વર્લ્ડકપ 2023માં 4 કેપ્ટન ઈજાગ્રસ્ત
- ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ઈજાગ્રસ્ત
- સાઉથ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમાં થયો ઈજાગ્રસ્ત
ICC વર્લ્ડકપ 2023માં અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. એક બાદ એક ખેલાડીઓ ઈજાના કારણે મેદાનની બહાર થઈ રહ્યા છે. ભારતનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ઈજાના કારણે ટીમની બહાર છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે નહીં. પંડ્યા ઉપરાંત વર્લ્ડકપ ટીમોના 4 કેપ્ટન પણ ઈજા અથવા તબિયત બગડવાના કારણે ટીમની બહાર થઈ ગયા છે. જેમાં સાઉથ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા પણ છે, જે બીમારીના કારણે ટીમની બહાર છે.
3 કેપ્ટન થયા ઈજાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે, બાવુમા પહેલા પણ 3 કેપ્ટન ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત કેપ્ટનોમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન, બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન અને શ્રીલંકાનો કેપ્ટન દાસુન શનાકા ઈજાના કારણે પહેલાથી જ ટીમની બહાર છે. હવે સાઉથ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા પણ બીમારીના કારણે આજે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. આજે તેમના સ્થાને એડન માર્કરામ ટીમનું નૈતૃત્વ કરી રહ્યો છે.
રોમાંચક ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો છે વર્લ્ડકપ
ICC વર્લ્ડકપ ખૂબ જ રોમાંચક ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો છે. એક ક્ષણ માટે એવું લાગતું હતું કે 4 ટીમો લગભગ સેમીફાઈનલ રમવાનું નક્કી કરી ચૂકી છે, પરંતુ પછી પાકિસ્તાનના ખરાબ ફોર્મ, ઓસ્ટ્રેલિયાનું ફોર્મમાં વાપસી અને 2 ટીમોના ઉલટફેરના કારણે આખી ગણતરી બગડી ગઈ છે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. ભારત અને ન્યૂઝીલેન્ડ ઉપરાંત હજુ સુધી કોઈ ટીમ વર્લ્ડકપ માટે પોતાનો દાવો રજૂ કરી શકી નથી.