- વર્લ્ડકપની પ્રથમ મેચમાં બન્યો વર્લ્ડરેકોર્ડ
- ઈંગ્લેન્ડની ટીમ હારી પણ બનાવ્યો રેકોર્ડ
- ટીમના દરેક ખેલાડીએ ડબલ ડિજિટનો આંકડો પાર કર્યો
ગઈકાલે વનડે વર્લ્ડકપની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચ ગત ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ગત રનરઅપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વનડે ફોર્મેટના 52 વર્ષના ઈતિહાસમાં જં કારનામું ન થયું, તે જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વનડે વર્લ્ડકપની શરૂઆત 52 વર્ષ પહેલાં એટલે 1971માં થઈ હતી. આ દરમિયાન કુલ 4 હજાર 658 વનડે મેચ રમાઈ હતી.
જો રૂટે સૌથી વધુ 77 રન બનાવ્યા
ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 282 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં સૌથી વધુ સ્કોર જો રૂટે બનાવ્યો હતો. જો રૂટે 77 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન જોસ બટલરે 43 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં જ એવું થયું જેનાથી વર્લ્ડરેકોર્ડ બન્યો હતો.
શું ખાસ રેકોર્ડ બન્યો?
વનડે ક્રિકેટના ઈતિહાસમાં અગાઉ ક્યારેય પણ તમામ 11 ખેલાડીઓએ એક ઈનિંગમાં ડબલ ડિજિટમાં રન બનાવ્યા નથી, પરંતુ ઈંગ્લેન્ડની આ ઈનિંગમાં આવું કારનામું જોવા મળ્યું હતું. આ ઈનિંગમાં ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓ ડબલ ડિજિટનો આંકડો પાર કર્યો હતો.
ઈંગ્લેન્ડની ઈનિંગની સ્થિતિ
આ ઈનિંગની વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડની ઈનિંગ શરૂઆત કાંઈ ખાસ રહી ન હતી. મિડલ ઓર્ડરમાં જો રૂટે 77 રન બનાવ્યા હતા અને જોસ બટલરે 43 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી અને સ્કોરને આગળ વધાર્યો હતો. અંતે આદિલ રશીદ અને માર્ક વૂડની 10મી વિકેટ માટે અણનમ 30 રનની ઈનિંગના કારણે સ્કોર 280ને પાર કરી ગયો હતો. આ રીતે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે 9 માંથી 5 વિકેટ સ્પિનરો મિશેલ સેન્ટનર (2), રચિન રવિન્દ્ર (1) અને ગ્લેન ફિલિપ્સે (2) લીધી હતી. ઝડપી બોલર મેટ હેનરી ત્રણ વિકેટ સાથે ટોચ પર રહ્યો હતો.